09 November, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગિરીશ મહાજન
રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ મિનિસ્ટર ગિરીશ મહાજને આર્થિક રીતે સક્ષમ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તેમને મળેલી ૫૦૦૦ રૂપિયાની દુષ્કાળ રાહતની રકમ સ્વેચ્છાએ ‘મુખ્યમંત્રી રાહત ફંડ’માં પરત કરે.
રાજ્ય સરકારે તાજેતરમાં દિવાળી પહેલાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાત્ર ખેડૂતો માટે ૫૦૦૦ રૂપિયાની આગોતરી સહાયની જાહેરાત કરી હતી. પાંચ નવેમ્બર સુધીમાં રાજ્ય સરકારે ૮૭ લાખથી વધુ ખેડૂતોનાં ખાતાંમાં ૪૩૭૨ કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાવી દીધી છે.
જળગાંવ જિલ્લામાં શનિવારે પત્રકારો સાથે વાત કરતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ મિનિસ્ટર ગિરીશ મહાજને કહ્યું હતું કે ‘જેમને આ પૈસાની જરૂર નથી તેઓ એને સ્વેચ્છાએ પરત કરી શકે છે. આ રકમને જરૂરિયાતમંદ ખેડૂતોને મદદ કરવા માટેનું યોગદાન ગણી શકાય. મારી આ અપીલ એવા તમામ લોકો માટે છે જેઓ આર્થિક રીતે સક્ષમ છે.’