16 May, 2026 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ્યના કોઈ ઉચ્ચ પદાધિકારીના સત્તાવાર નિવાસસ્થાનને આ પ્રકારનું સુરક્ષા-કવચ પૂરું પાડવામાં આવ્યું હોય એવી આ પ્રથમ ઘટના
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મલબાર હિલસ્થિત સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલાને હવે સંપૂર્ણપણે CCTV કૅમેરાના સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. અંદાજે ૧.૨૫ કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ હાઈ-ટેક કૅમેરા બેસાડવામાં આવ્યા છે. રાજ્યના કોઈ ઉચ્ચ પદાધિકારીના સત્તાવાર નિવાસસ્થાનને આ પ્રકારનું સુરક્ષા-કવચ પૂરું પાડવામાં આવ્યું હોય એવી આ પ્રથમ ઘટના છે.
ગૃહવિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત બંગલાના ખૂણેખૂણા પર નજર રાખવા માટે ૩૬ કૅમેરા લગાવવામાં આવ્યા છે. અગાઉ મંત્રાલય, વિધાનભવન અને અન્ય સરકારી કચેરીઓ CCTV કૅમેરાના સર્વેલન્સ હેઠળ હતી, પરંતુ રેસિડેન્શિયલ એરિયાને આમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. વર્ષા બંગલા બાદ હવે અન્ય પ્રધાનોનાં નિવાસસ્થાનો પર પણ સુરક્ષાનાં કારણોસર આવા કૅમેરા લગાવવાની કવાયત શરૂ થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી પ્રધાનો પોતાના નિવાસસ્થાન અને મુલાકાતીઓની ગોપનીયતા જાળવવા માટે CCTV કૅમેરા લગાવવા અંગે ખચકાટ અનુભવતા હતા. જોકે મુખ્ય પ્રધાને પોતે પહેલ કરી છે.