૬૨૯ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ

20 November, 2024 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુલ ઉમેદવારોમાંથી ૧૯ ટકા ઉમેદવારો સામે બળાત્કાર, હત્યા અને હત્યાનો પ્રયાસ જેવા ગંભીર ગુના પણ નોંધાયા છે

પ્રતીકાત્મક તસવીર

વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો દ્વારા ફૉર્મ ભરતી વખતે જે માહિતી આપવામાં આવેલી છે એમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે. એમાંના કેટલાક ઓછું ભણતર પણ ધરાવે છે અને કેટલાક સામે ક્રિમિનલ કેસ પણ નોંધાયેલા છે.

અસોસિએશન ઑફ ડેમોક્રેટિક રિફૉર્મ્સ અને મહારાષ્ટ્ર ઇલેક્શન વૉચ દ્વારા કરાયેલા સર્વેમાં જણાઈ આવ્યું છે કે કુલ ઉમદેવારોમાંથી ૬૨૯ ઉમેદવાર (૨૯ ટકા) સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે, જેમાંથી ૪૧૨ ઉમેદવાર (૧૯ ટકા ) સામે તો બળાત્કાર, હત્યા અને હત્યાનો પ્રયાસ જેવા ગંભીર ગુના નોંધાયા છે. કુલ ૪૧૩૬ ઉમેદવારોમાંથી ૨૨૦૧ ઉમેદવારોએ ઍફિડેવિટ દ્વારા આપવામાં આવેલી માહિતી આ સર્વેમાં સમાવી લેવાઈ હતી. આ સર્વેમાં અપક્ષ ઉમેદવારોને ગણતરીમાં નથી લેવાયા. સોમવારે જાહેર કરાયેલા સર્વેના રિપોર્ટમાં એવું જ‌ણાઈ આવ્યું છે કે મોટા ભાગના ઉમેદવારો સામે કેસ નોંધાયેલા છે. જોકે એ બધા જ કેસ ગંભીર અને ક્રિમિનલ નથી, કેટલાક સામે રાજકીય અદાવતને લઈને પણ ગુના દાખલ કરાયા છે. જેમની સામે ગુના નોંધવામાં આવ્યા છે એમાં ૬૮ ટકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, જ્યારે કૉન્ગ્રેસ ૫૮ ટકા  સાથે બીજા નંબરે છે.

મુંબઈમાં કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર

૨૫- મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)

૨૨- શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)

૧૮- ભારતીય જનતા પાર્ટી

૧૬- શિવસેના

૧૧- કૉન્ગ્રેસ

૩- નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

૩- નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)

ભણતર કેવું?
૧૦૩૪ ઉમેદવારોએ જાહેર કર્યું છે કે તેમણે પાંચમા ધોરણથી લઈને ૧૨ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, જ્યારે ૫૮ ઉમેદવાર માત્ર થોડુંઘણું વાંચી શકે છે, દસ ઉમેદવારોએ જાહેર કર્યું હતું કે તેઓ અભણ છે.

 

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections political news nationalist congress party bharatiya janata party maha vikas aghadi election commission of india