16 December, 2022 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહાવિકાસ આઘાડીના બધા જ પક્ષો શિવસેના, કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે હાલની સરકારના કારભાર સામે અને સીમા પ્રશ્ન, છત્રપતિ શવાજી મહારાજ, શાહુ મહારાજા, મહાત્મા ફુલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવો માટે અપશબ્દો વાપરવા, તેમના વિશે ગમે તેમ બોલવું, કર્ણાટક સાથેનો સીમાપ્રશ્ન અને મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને શનિવારે મુંબઈમાં મોરચો કાઢવાનું આયોજન કર્યું છે. જોકે હજી એ મોરચાને પોલીસની પરવાનગી નથી આપવામાં આવી. આમ છતાં એના નેતાઓનું કહેવું છે કે પોલીસની પરવાનગી પણ મળશે અને મોરચો નીકળીને જ રહેશે.
અજિત પવારના ઘરે ગઈ કાલે આ સંદર્ભે આયોજિત કરાયેલી એ બેઠકમાં રાજ્યના વિરોધ પક્ષોના નેતાઓ અને અનેક સામાજિક સંસ્થાઓના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રેસને સંબોધતાં અજિત પવારે કહ્યું હતું કે ‘મોરચાને પોલીસની પરવાનગી હજી સુધી મળી નથી, પણ એ કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. પરવાનગી મળી જશે અને મોરચો પણ નીકળશે. બધા જ વિરોધ પક્ષોના નેતાઓ મળ્યા હતા અને મોરચાના આયોજન બાબતે ચર્ચાઓ થઈ હતી. અમે મહારાષ્ટ્રની જનતાને આહવાન કરીએ છીએ કે મોટી સંખ્યામાં તેઓ આ મોરચામાં જોડાય. છેલ્લા છ મહિનાથી મહારાષ્ટ્રમાં જે કારભાર ચાલી રહ્યો છે એ તમે જોઈ જ રહ્યા છો. મહાનુભાવો માટે કંઈ પણ બોલવું, તેમના માટે અપશબ્દો વાપરવા એ સતત ચાલુ છે અને અટકવાનું નામ નથી લઈ રહ્યું. એને કોઈ રોકતું નથી. એને કારણે લોકોમાં બહુ જ અસંતોષ છે. એથી અમે આ મોરચો કાઢવાના છીએ. આ ઉપરાંત મોંઘવારીએ પણ માઝા મૂકી છે. બે દિવસ પહેલાં જે રીતે પુણેમાં અને વરલીમાં બંધ થયો એ રીતે અમે શનિવારે મોરચો કાઢવાના છીએ.’
અજિત પવારે વધુમાં કહ્યું હતું કે ‘આ મોરચામાં મોટી સંખ્યામાં મુંબઈગરા જોડાશે. બધા જ વિરોધ પક્ષોએ આ માટે સરખી ભૂમિકા લીધી છે અને આ મોરચા માટે સાથે આવવાના છે. આ મોરચો શાંતિથી નીકળશે. અમે મોરચા માટે પોલીસની પરવાનગી માગી છે, પણ મળી નથી. જોકે અમને પરવાનગી મળશે એવો મને વિશ્વાસ છે.’
પોલીસે હજી મોરચાને પરવાગની નથી આપી, પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેમની સરકારને મોરચા સામે વાંધો નથી અને એ એમાં હસ્તક્ષેપ નહીં.