એમવીએની સીટ-શૅરિંગ ફૉર્મ્યુલા ભારત જોડો ન્યાય યાત્રા પછી જ જાહેર થશે

13 March, 2024 09:00 AM IST  |  Mumbai | Dharmendra Jore

૧૭ માર્ચે શિવાજી પાર્ક ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન થશે

નંદુરબારમાં રૅલી દરમ્યાન યોજાયેલા આદિવાસી ન્યાય સંમેલનમાં રાહુલ ગાંધી

મહાવિકાસ આઘાડી (એમવીએ) લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી વિશેની ફૉર્મ્યુલા ૧૭ માર્ચ પછી જ જાહેર કરશે. આ દિવસે શિવાજી પાર્ક ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન થશે અને તેઓ જાહેર સભાને સંબોધશે. કૉન્ગ્રેસે આ રૅલીમાં એમવીએના પક્ષોને સંયુક્ત શક્તિ દર્શાવવા માટે આમંત્રણ આપ્યું છે.

એક તરફ ન્યાય યાત્રા પહેલાં કૉન્ગ્રેસે સીટ-શૅરિંગ મુદ્દે મૌન સેવવાનું પસંદ કર્યું છે તો બીજી તરફ એમવીએની શિવસેના દ્વારા કેટલીક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાતથી ગઠબંધનમાં ઊથલપાથલ સર્જાઈ છે. કહેવાય છે કે કૉન્ગ્રેસ ૨૦૧૯થી યુનાઇટેડ સેના પાસે રહેલી ઘણી સીટો ઇચ્છે છે. અત્યાર સુધીની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે ત્યારે કૉન્ગ્રેસના નેતાઓ યાત્રાના શેડ્યુલમાંથી સમય ફાળવશે ત્યારે જ આનો નિવેડો આવશે.

રાજ્ય અને મુંબઈ કૉન્ગ્રેસના નેતાઓએ શિવાજી પાર્ક ખાતે રેકૉર્ડ સંખ્યામાં લોકો હાજર રહેશે એવી ખાતરી આપી છે. મહારાષ્ટ્રના કૉન્ગ્રેસ મહાસચિવ રમેશ ચેન્નીથલાએ નંદુરબારમાં મીડિયાને જણાવ્યું હતું કે પાર્ટીઓ વચ્ચે હજી ચર્ચા ચાલી રહી છે અને ૧૭ માર્ચ પછી સીટ-શૅરિંગ ફૉર્મ્યુલા જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં યાત્રાના પ્રવેશ વખતે નંદુરબારમાં એમવીએના પ્રતિનિધિઓ રાહુલ ગાંધીને સમર્થન આપવા હાજર રહ્યા હતા. કેટલાક નૉન-કૉન્ગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી સાથે નંદુરબારમાં જોડાય એવી અપેક્ષા હતી. આ યાત્રા નાશિક, ભિવંડી અને થાણે થઈને મુંબઈ જશે.

Lok Sabha Lok Sabha Election 2024 congress rahul gandhi maha vikas aghadi shiv sena mumbai mumbai news dharmendra jore