મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હળવાંથી ભારે ઝાપટાં પડ્યાં

21 June, 2024 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે પણ થાણે, રાયગઢ અને રત્નાગિરિમાં મધ્યમથી ભારે ઝાપટાં પડવાની શક્યતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ગઈ કાલે હળવાંથી મધ્યમ ઝાપટાં પડ્યાં હતાં. પાલઘર જિલ્લામાં ગઈ કાલે સવારના સમયે ભારે વરસાદ પડતાં મનોરથી જ્વહાર જતા નૅશનલ હાઇવે ૧૬૦ ‘એ’ પર દેહર્જે નદી પરના બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકાવી દેવો પડ્યો હતો. આજે પણ થાણે, રાયગઢ અને રત્નાગિરિમાં મધ્યમથી ભારે ઝાપટાં પડવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે ત્યાં યલો અલર્ટ જાહેર કર્યું છે.

નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની કાંદા-બટાટા માર્કેટમાં ગઈ કાલે પાણી ભરાઈ ગયાં હતાં. શાકભાજી માર્કેટ અને કાંદા-બટાટા માર્કેટમાં મોટા ભાગનો માલ નીચે રાખીને વેચાતો હોય છે. ગઈ કાલે સવારે ધોધમાર વરસાદ વખતે વેપારીઓએ તરત જ પોતાનો માલ બચાવવા ઉપાડી લેવો પડ્યો હતો. માર્કેટના એક વેપારીના કહેવા મુજબ પ્રી-મૉન્સૂન ડ્રેનેજ લાઇનની સફાઈનું કામ જે યોગ્ય રીતે થવું જોઈએ એ રીતે થયું નથી. એથી માર્કેટમાં પાણી ભરાઈ ગયાં હતાં. વેપારીઓએ સમયસર માલ ઉપાડી લીધો હતો. જોકે એમ છતાં થોડો માલ પલળી ગયો હતો. જો સફાઈ યોગ્ય રીતે થઈ હોત તો પાણી ન ભરાત, એમ તેમનું કહેવું હતું.

mumbai rains monsoon news mumbai news thane palghar