નોકરીનો પહેલો દિવસ બની ગયો જીવનનો અંતિમ દિવસ

11 December, 2024 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉબ પરથી પાછી ઘરે જતી આફરીન શાહને રિક્ષા મળતી ન હોવાથી પગપાળા જઈ રહી હતી ત્યારે બસની અડફેટે ચડી ગઈ

આફરીનનો નોકરીનો સોમવારે પહેલો દિવસ હતો

ગોવંડીના શિવાજીનગરમાં રહેતી ૨૦ વર્ષની આફરીનનો નોકરીનો સોમવારે પહેલો દિવસ હતો, પણ  બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસની અડેફેટે આવી જતાં એ તેના જીવનનો અંતિમ દિવસ બની ગયો હતો.

આફરીનના પિતા અબ્દુલ સલીમ શાહે કહ્યું હતું કે ‘સોમવારે તેનો નોકરીનો પહેલો દિવસ હોવાથી તે ઘરે પાછી આવી રહી હતી. તેનો ૯.૦૯ વાગ્યે મને ફોન આવ્યો કે તે કુર્લા સ્ટેશન પહોંચી ગઈ છે પણ તેને ઘરે આવવા માટે કોઈ રિક્ષા નથી મળતી. એથી મેં તેને કહ્યું કે હાઇવે સુધી ચાલી નાખ, ત્યાંથી તને રિક્ષા મળી જશે. એ પછી ૯.૪૫ વાગ્યે તેના મોબાઇલથી ફોન આવ્યો હતો જે કુર્લાની ભાભા હૉસ્પિટલના સ્ટાફરે કર્યો હતો. તેણે મને કહ્યું કે આ છોકરીનો ઍક્સિડન્ટ થયો છે, તમે ભાભા હૉસ્પિટલ આવી જાઓ. હવે મારી દીકરી ક્યારેય પાછી નહીં આવે.’

આફરીનને તેના અબ્બાએ હાઇવેથી રિક્ષા પકડવાનું કહ્યું હોવા છતાં તે કુર્લા-વેસ્ટમાં ચાલીને ક્યાં જઈ રહી હતી એ પ્રશ્ન તેના પરિવારજનોને સતાવી રહ્યો છે.

દીકરીના મૃત્યુથી ભાંગી પડેલા અબ્દુલ શાહે કહ્યું હતું કે ‘જ્યાં અકસ્માત થયો હતો ત્યાં લોકો રોડ પર વ્યવસ્થિત રીતે ચાલી પણ નથી શકતા. વર્ષો થયાં પણ પરિસ્થિતિ આવી જ છે, એમાં કોઈ ચેન્જ નથી આવ્યો. ગેરકાયદે પાર્કિંગ, ફેરિયાઓ, મેટ્રો રેલનું કામ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે એ વિસ્તાર ગીચ થઈ ગયો છે. અકસ્માતમાં કેટલાય લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. સરકારે આ બાબતે કાંઈક કરવું જોઈએ.’ 

kurla brihanmumbai electricity supply and transport road accident govandi mumbai police mumbai mumbai news