24 November, 2022 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધી રહ્યો છે. હવે એનસીપી પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) કહ્યું છે કે આવી વ્યક્તિને મોટું પદ ન આપવું જોઈએ.
શરદ પવારે કહ્યું કે, “રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તમામ હદો વટાવી દીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ.” સાથે જ કહ્યું કે “આ પ્રકારના બેજવાબદારીભર્યા નિવેદન કરનારાઓ મોટા પદ આપવા યોગ્ય નથી.”
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ શનિવારે (19 નવેમ્બર) ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ડી.લિટની પદવી એનાયત કરતી વખતે, મહારાષ્ટ્રમાં `આદર્શ લોકો` વિશે વાત કરતાં બીઆર આંબેડકર ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે “છત્રપતિ શિવાજી ‘જૂના સમય’ના આદર્શ હતા.”
`હીરો અને રોલ મોડલ`
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડનીસે કહ્યું કે “જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી મહાન યોદ્ધા શિવાજી દેશના હીરો અને આદર્શ રહેશે. આ અંગે રાજ્યપાલ કોશ્યારીના મનમાં પણ કોઈ શંકા નથી.”
વિપક્ષે શું કહ્યું?
શિવસેનાના મુખપત્ર સામનાએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પાસે માફીની માગ કરી છે. બીજી બાજુ, NCP નેતા અજિત પવારે રવિવારે (20 નવેમ્બર) કહ્યું કે જો કોશ્યારી રાજ્ય અને છત્રપતિ શિવાજી મહારાજની ભાવનાઓને સમજી શકતા નથી. તો તેમણે તેમનું પદ છોડવાનું વિચારવું જોઈએ.
આ પણ વાંચો: નવાબ મલિકને હજુ થોડા દિવસ રહેવું પડશે જેલમાં, જામીન અરજી પર તૈયાર નથી નિર્ણય