09 January, 2026 08:10 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઝોહરાન મમદાનીએ દિલ્હી રમખાણના આરોપી ઉમર ખાલિદને નોટ લખી
૨૦૨૦ના દિલ્હી રમખાણોમાં કાવતરું ઘડવાના આરોપી ઉમર ખાલિદ સાથે સંકળાયેલા કાનૂની કેસ અંગે ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીની ટિપ્પણીઓનો હવે ભારતે કડક જવાબ આપ્યો છે. ભારતે તેને સ્પષ્ટપણે કહ્યું છે કે તે ફક્ત ન્યૂ યૉર્કના લોકો દ્વારા તેને સોંપવામાં આવેલી જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરે અને આવા પક્ષપાતના આધારે અન્ય દેશો વિરુદ્ધ બોલવાનું બંધ કરે. મમદાનીએ ન્યૂ યૉર્કના મેયરનું પદ સંભાળતાની સાથે જ, તેનો એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે ઉમર ખાલિદ દેશવિરોધી કર્યોને અવગણીને ભારતીય ન્યાયતંત્ર પર પ્રશ્ન ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
શુક્રવારે, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીની નામ લીધા વિના કહ્યું હતું કે, "અમે અપેક્ષા રાખીએ છીએ કે જનપ્રતિનિધિઓ અન્ય લોકશાહીઓમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાનો આદર કરશે." ગયા ડિસેમ્બરમાં, ઉમર ખાલિદના પિતા ન્યૂ યૉર્કમાં મમદાનીને મળ્યા હતા અને તેને એક નોંધ આપી હતી, જેનાથી ઘણો ભારતમાં મોટો રાજકીય વિવાદ થયો છે.
વિદેશ મંત્રાલયે મમદાનીને સ્પષ્ટપણે સલાહ આપી છે કે, "જવાબદાર હોદ્દા પર રહેલા લોકોએ પોતાના વ્યક્તિગત પક્ષપાત વ્યક્ત ન કરવા જોઈએ. આવી ટિપ્પણીઓ કરવાને બદલે, તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે."
નોંધનીય છે કે ઝોહરાન મમદાનીએ ઉમર ખાલિદ માટે જે વાયરલ નોંધ લખી છે તેમાં તેણે દિલ્હીની તિહાર જેલમાં બંધ રમખાણોના આરોપી ઉમર ખાલિદ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, અને એમ પણ લખ્યું હતું કે, "અમે બધા તરા (ખાલીદ) વિશે વિચારી રહ્યા છીએ." ઉમર ખાલિદ સામેના આરોપો એટલા ગંભીર છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ તેને જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. દિલ્હી રમખાણોના પાંચ અન્ય આરોપીઓને પાંચ વર્ષ પછી કડક શરતોને આધીન જામીન આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ખાલિદ અને તેના કુખ્યાત સાથી શર્જીલ ઇમામને જેલની બહાર રાખવાનું અયોગ્ય માન્યું છે.
સુપ્રીમ કોર્ટે 2020 ના દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કર્યાના એક દિવસ પછી, સોમવારે સાંજે 5 જાન્યુઆરીએ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ખાતે લૅફ્ટ વિંગના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાના સમાચારથી વિવાદ શરૂ થયું. અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓએ ‘ગેરિલા ઢાબા’ પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. લગભગ 30-40 વિદ્યાર્થીઓના જૂથે ‘મોદી-શાહ કી કબર ખુદેગી JNU કી ધરતી પર’ જેવા વિવાદાસ્પદ અને ભડકાઉ સૂત્રોચ્ચાર કર્યા હતા.