03 October, 2026 08:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવાર, ૩ ઑક્ટોબરના રોજ જણાવ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી વરસાદે વિદાય લીધી છે. આ વર્ષે, મુંબઈમાંથી ચોમાસું સામાન્ય તારીખ કરતાં પાંચ દિવસ વહેલું જાય તેવી શક્યતા છે; શહેર માટે સામાન્ય પણે છેલ્લે ચોમાસું લગભગ ૮ ઑક્ટોબરે નોંધાય છે. છેલ્લા ૨૫ વર્ષમાં મુંબઈમાંથી ચોમાસું જવાની આ બીજી સૌથી વહેલી ઘટના છે. આ પહેલાં સૌથી વહેલી વિદાય ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ થઈ હતી.
IMDના ડેટા અનુસાર, આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન મુંબઈ શહેરમાં સામાન્ય કરતાં ૭ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. શહેરમાં ૨,૦૯૪.૫ મીમીના સામાન્ય વરસાદની સામે ૧,૯૫૭.૧ મીમી વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીમાં, મુંબઈના ઉપનગરોમાં સામાન્ય કરતાં ૯ ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ઉપનગરોમાં ૨,૩૧૮.૮ મીમીના સામાન્ય વરસાદની સામે ૨,૫૩૦.૫ મીમી વરસાદ પડ્યો હતો. સમગ્ર મહારાષ્ટ્રમાં આ ચોમાસા દરમિયાન વરસાદ સામાન્ય કરતાં ૧૯ ટકા ઓછો રહ્યો હતો. રાજ્યના તમામ પાંચ પ્રદેશોમાં વરસાદની અછત જોવા મળી હતી. મરાઠવાડામાં સામાન્ય કરતાં ૪૦ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો - જે રાજ્યના પ્રદેશોમાં સૌથી વધુ અછત હતી. ત્યારબાદ વિદર્ભમાં ૨૩ ટકા, કોંકણ-ગોવામાં ૧૪ ટકા અને મધ્ય મહારાષ્ટ્રમાં ૧૧ ટકા અછત નોંધાઈ હતી.
IMD અનુસાર, વરસાદની અછત પેસિફિક મહાસાગરમાં ઝડપથી તીવ્ર બની રહેલી `અલ નીનો`ની સ્થિતિ સાથે જોડાયેલી છે. મે મહિનામાં જાહેર કરાયેલી ચોમાસાની આગાહીમાં, IMDએ આ ઋતુમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. ચોમાસાની વિદાય બાદ મુંબઈમાં તાપમાન વધવાની શક્યતા છે. IMDના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ચોમાસાની વિદાય બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. મુંબઈમાં હવે સામાન્ય રીતે `ઑક્ટોબર હીટ` (ઑક્ટોબર મહિનાની ગરમી) અનુભવાશે."
શનિવારે સવારે કોલાબા લૅબ ખાતે મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૫.૬ ડિગ્રી વધારે હતું. બીજી તરફ, સાંતાક્રુઝ લૅબમાં મહત્તમ તાપમાન ૩૬.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૪.૬ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. મુંબઈ શહેર અને તેના ઉપનગરો માટે આગામી ૪૮ કલાકના સ્થાનિક હવામાનની આગાહી મુજબ, આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. આ સમયગાળા દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન આશરે ૩૬ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન આશરે ૨૬ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.