મલાડના ડૉક્ટર સાથે બની આંચકાજનક ઘટના : આઇસક્રીમમાંથી નીકળી આંગળી

14 June, 2024 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ અને FDA આૅનલાઇન આૅર્ડર કરેલો આઇસક્રીમ ક્યાંથી ડિલિવર કરવામાં આવ્યો હતો એની ચેઇન શોધવા તપાસમાં લાગ્યાં

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મલાડમાં ડૉમિનિક રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષના ડૉક્ટર બ્રૅન્ડન ફેરોએ બુધવારે ઑનલાઇન ઑર્ડરમાં મગાવેલા બટરસ્કૉચ આઇસક્રીમમાં અડધો ઇંચ લાંબો આંગળીના આકારનો માંસનો ટુકડો મળ્યા બાદ તેમણે આઇસક્રીમ કંપની યમ્મો સામે બુધવારે મલાડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક માહિતી મળ્યા બાદ આઇસક્રીમ ક્યાંથી ડિલિવર કરવામાં આવ્યો, કયા સેન્ટરમાંથી ડિલિવરી પાર્ટનર સુધી પહોંચ્યો, ડિલિવરી કરનાર યુવાન કોણ હતો આ વિશે પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવની માહિતી મળ્યા બાદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ જૉઇન્ટ તપાસ શરૂ કરી છે.

આઇસક્રીમમાંથી મળેલો માંસનો ટુકડો માનવશરીરનો ભાગ છે કે કેમ એ જાણવા માટે એને ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સવારે ૧૦ વાગ્યે બ્રૅન્ડનની બહેન જેસિકાએ ઝેપ્ટો ઍપ્લિકેશન પર એક કિલો ચણાનો લોટ અને યમ્મો કંપનીના ત્રણ બટરસ્કૉચ આઇસક્રીમનો ઑર્ડર કર્યો હતો. એની ડિલિવરી આશરે ૧૫ મિનિટમાં તેમના ઘરે કરવામાં આવી હતી. ત્યાર બાદ બપોરે સાડાબાર વાગ્યે જમ્યા પછી ઑનલાઇન ઑર્ડરમાં મગાવેલો આઇસક્રીમ ખાતી વખતે તેને મોઢામાં કોઈ વસ્તુનો ટુકડો હોવાની શંકા ગઈ હતી. એથી તેણે એ ટુકડો મોંમાંથી કાઢ્યો અને એની તપાસ કરવા પર જાણવા મળ્યું કે એ નખ સાથેનો આંગળીનો ટુકડો છે. એ હાથમાં આવ્યા બાદ તેને ઊલટી જેવું થવા લાગ્યું હતું. એ પછી તેણે તરત જ ઇન્સ્ટાગ્રામ પર આઇસક્રીમ કંપની યમ્મોના પેજ પર ફરિયાદ નોંધાવી હતી. દસથી બાર મિનિટમાં જ કંપની તરફથી ઘટના જાણવા સામેથી ફોન આવ્યો હતો. ઘટના જાણ્યા પછી તેમણે કહ્યું કે તમે જે માહિતી મોકલી છે એના આધારે અમે વિગતવાર પૂછપરછ કરીને તમને જાણ કરીશું, પરંતુ તેમના તરફથી કોઈ પ્રકારનો પ્રતિસાદ ન મળતાં ફરિયાદી માંસનો ટુકડો થેલીમાં રાખીને ફરિયાદ નોંધાવવા મલાડ પોલીસ-સ્ટેશન પર આવ્યા હતા. આ કેસની પ્રાથમિક માહિતીના આધારે યમ્મો કંપની સામે બેદરકારીની ફરિયાદ નોંધવામાં આવી છે. આઇસક્રીમના બૅચ-નંબર પરથી એની માહિતી કાઢવામાં આવી રહી છે. બ્રૅન્ડને રશિયાથી ડૉક્ટર ઑફ મેડિસિન (MD)ની ડિગ્રી મેળવી છે અને નાણાવટી હૉસ્પિટલમાં MBBS ડૉક્ટર તરીકે ફરજ બજાવી છે. તેઓ હાલમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનની તૈયારી કરી રહ્યા છે.’

અમારા અધિકારીઓ આઇસક્રીમ કંપની વિશે માહિતી મેળવીને આગળની કાર્યવાહી કરશે એમ જણાવતાં FDAના જૉઇન્ટ કમિશનર (ફૂડ) શૈલેષ આઢવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ અને પ્રસારમાધ્યમો દ્વારા અમને ઘટનાની જાણ થતાં અમારા અધિકારીઓ તાત્કાલિક તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ કેસમાં મૂળ ચેઇન મહત્ત્વની છે. આઇસક્રીમ ક્યાંથી આવ્યો, કયા સેન્ટરમાં મુંબઈમાં રાખવામાં આવ્યો, ક્યારે ડિલિવરી થઈ એની સાથે આ પ્રોડક્ટ ક્યાં બની છે એની માહિતી કાઢવામાં આવશે.’

યમ્મો કંપનીના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ગઈ કાલે ગ્રાહકની ફરિયાદ મળી હતી. એમાં જણાવ્યું હતું કે ડિલિવરી પાર્ટનર દ્વારા ઑર્ડર કરાયેલા અમારા ઉત્પાદનમાંથી માંસ જેવી એક વસ્તુ મળી આવી હતી. ઉત્પાદનની ગુણવત્તા અને સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાને કારણે અમે પરિસ્થિતિને પહોંચી વળવાની પ્રક્રિયામાં હતા એટલી વારમાં મામલો ઉગ્ર બન્યો અને ગ્રાહક દ્વારા સત્તાવાર પોલીસ-ફરિયાદ દાખલ કરવામાં આવી. અમે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે કાયદાનું પાલન કરતી કંપની છીએ અને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવા માટે અધિકારીઓને સંપૂર્ણ સહકાર અને સમર્થન આપીશું.’

malad mumbai mumbai news mumbai police