હું આધુનિક અભિમન્યુ છું અને ચક્રવ્યૂહને તોડતાં મને આવડે છે

24 November, 2024 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPની અભૂતપૂર્વ જીત બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...

નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે જોવા માગતા કાર્યકરો.

મહારાષ્ટ્ર વિધાનસભાનું રિઝલ્ટ આવ્યા બાદ મહાયુતિમાંથી સૌથી પહેલી પ્રતિક્રિયા રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી હતી. ત્યાર બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને સંબોધ્યા હતા. એ વખતે તેમના ચહેરા પર જીતના આનંદની સાથે સંતોષ પણ વ્યક્ત થતો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે તેમનાં પત્ની અમૃતા ફડણવીસ પણ સાથે હતાં.

આ પરિણામ ખરેખર જ અવિશ્વસનીય અને અભૂતપૂર્વ છે. ભગવાન જ્યારે આપણને કંઈ આપે ત્યારે એ ભરીભરીને આપતા હોય છે. જનતાએ અમને છપ્પરફાડ મતદાન કર્યું.

છેલ્લા થોડા સમયથી તેમના પર થઈ રહેલા શાબ્દિક હુમલાઓના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે હું આધુનિક અભિમન્યુ છું અને ચક્રવ્યૂહને તોડતા મને આવડે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક હૈં તો સેફ હૈં’ સૂત્રએ લોકોને એકજૂટ કર્યા અને એનો આપણને બધાને ફાયદો થયો.

હું અમારી લાડલી બહેનોનો પણ વિશેષ આભાર માનું છું જેમણે અમને આશીર્વાદ આપ્યાં.

આજે જે અભૂતપૂર્વ પરિણામ આવ્યું છે એના માટે હું તમારી સમક્ષ (મતદારો) નતમસ્તક થઈ ગયો છું.

લોકસભાના ઇલેક્શન વખતે જે ફેક નૅરેટિવ ઊભું કરવામાં આવ્યું હતું એની સામે રાષ્ટ્રવાદી તાકાતોએ મતદાન કરીને એ ફેક નૅરેટિવને ખતમ કરી નાખ્યું એ બદલ અમે આ રાષ્ટ્રવાદી તાકાતોના આભારી છીએ.

દેવેન્દ્ર ફડણવીસે ૨૦૧૯ની ૧ ડિસેમ્બરે કહેલું...
 મેરા પાની ઉતરતા દેખ 
 મેરે કિનારે પર ઘર મત બસા લેના
 મૈં સમંદર હૂં
 લૌટકર વાપસ આઉંગા
ગઈ કાલના મહાયુતિના વિજય પછી તેમણે આ વાત પુરવાર કરી દેખાડી

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections eknath shinde devendra fadnavis bharatiya janata party