06 January, 2025 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
HMPV વાયરસ માટે મહારાષ્ટ્રમાં એડવાઈઝરી જાહેર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, એચએમપીવીનું સંક્રમણ પહેલાથી જ ભારત સહિત અનેક દેશોમાં ફેલાઈ રહ્યું છે અને વિભિન્ન દેશોમાં આ વાયરસ સંબંધિત શ્વસન સંબંધિત બીમારીઓના કેસ સામે આવ્યા છે.
ભારતમાં હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (એચએમપીવી)એ દસ્તક દીધી છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) પ્રમાણે, કર્ણાટકમાં HMPVના બે કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, એચએમપીવીનું સંક્રમણ પહેલાથી જ ભારત સહિત અનેક અન્ય દેશોમાં ફેલાઈ રહ્યું છે અને વિભિન્ન દેશોમાં આ સંબંધિત શ્વસન સંબંધિત બીમારીઓના કેસ સામે આવ્યા છે. આને જોતાં મહારાષ્ટ્ર સરકાર પણ સંપૂર્ણ રીતે અલર્ટ છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી એચએમપીવીને લઈને લોકો માટે સલાહ (એડવાઈઝરી) જાહેર કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ શું કરવું જોઈએ અને શું નહીં.
એચએમપીવીથી બચવા માટે શું કરવું અને શું નહીં...
1. છીંક આવે કે ઉધરસ આવે ત્યારે રુમાલ અથવા કપડાંનો ઉપયોગ કરવો.
2. આલ્કોહોલ બૅઝ્ડ સેનિટાઈઝરનો ઉપયોગ શરૂ કરવો.
3. ઉધરસ અને શરદીથી પ્રભાવિત લોકો સાર્વજનિક જગ્યાઓથી દૂર રહે.
4. તમારે હાલ લોકોની સાથે મળીને તેમની સાથે હાથ મિલાવવાનું ફરી બંધ કરવાનું રહેશે.
5. એક ટિશ્યૂ પેપર કે રુમાલનો ઉપયોગ વારંવાર ન કરવો.
6. સાર્વજનિક સ્થળે થૂંકવું બંધ કરવું પડશે.
7. કોઈપણ પ્રકારનું સંક્રમણ થતા જાતે દવા શરૂ ન કરવી.
કર્ણાટકવાળા કેસને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 3 મહિનાની બાળકીને બ્રોંકોન્યૂમોનિયાની ફરિયાદ હતી. તેને બૅંગ્લુરુની બેપટિસ્ટ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, જ્યાં તેના એચએમપીવીથી સંક્રમિત હોવાની માહિતી મળી. તેને તે પહેલા જ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. બ્રોન્કોન્યૂમોનિયાથી પીડિત 8 મહિનાના એક શિશુને ત્રણ જાન્યુઆરીના બેપટિસ્ટ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, જેના પછી તપાસમાં તેના એચએમપીવીથી સંક્રમિત થવાની ખબર પડી. કહેવામાં આવી રહ્યું છે કે શિશુના સ્વાસ્થ્યમાં હવે સુધારો છે. એ ધ્યાન રાખવું મહત્વનું છે કે બન્ને દર્દીઓને કોઈ આંતરરાષ્ટ્રીય યાત્રાનો ઇતિહાસ નથી. મંત્રાલયે કહ્યું કે તે બધા જ ઉપલબ્ધ નિરીક્ષણ માધ્યમો દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આઈસીએમઆર આખું વર્ષ એચએમપીવી સંક્રમણ પર નજર રાખશે.
નોંધનીય છે કે ગુજરાત, અમદાવાદમાં HMPVના પૉઝિટીવ કેસ નોંધાઈ રહ્યા છે. બે મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ખાનગી લેબમાં બાળકીનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકી મૂળ મોડાસા નજીકના ગામની છે. બાળકીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાહતના સમાચાર એ છે કે, હવે તેની તબિયત સ્થિર છે. બાળકીમાં શરદી અને તાવના લક્ષણો જણાતાં તેને અમદાવાદ લઈ જવાઈ હતી.