11 March, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી
મુંબઈ અને નવી મુંબઈને જોડતા વાશીની ખાડીના પુલ પર ગઈ કાલે સવારે ચોંકાવનારી ઘટના બની હતી. ચેમ્બુરના વાશીનાકા વિસ્તારમાં રહેતી પચીસ વર્ષની યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ખાડીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ ત્યાં હાજર માછીમારે તાત્કાલિક તેનો જીવ બચાવ્યો હતો. થોડા દિવસ પહેલાં તેનો બૉયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો અને એ ઝઘડાને કારણે બૉયફ્રેન્ડે તેનો મોબાઇલ-નંબર વૉટ્સઍપ પર બ્લૉક કરી દીધો હતો. એ પછી સંપર્ક તૂટી જતાં તે ખૂબ નિરાશ થઈ હતી. એ પછી માનસિક તાણમાં આવીને તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત વાશી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) સમક્ષ કરી હતી.
વાશી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર શશિંકાત ચંદ્રશેખરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૮ વાગ્યે આ ઘટના બની હતી. વાશીગાવના માછીમાર મહેશ સુતારે સૌથી પહેલાં યુવતીને પાણીમાં હાથ-પગ મારતી જોઈ હતી. પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાતાં તે તરત જ પોતાની બોટ એ દિશામાં વાળીને મદદ માટે આગળ વધ્યો હતો. થોડા જ સમયમાં તેણે પાણીમાં ઊતરીને યુવતીને સલામત બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતાં અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પૂછપરછ દરમ્યાન તેણે બૉયફ્રેન્ડ સાથેના વિવાદમાં નિરાશ થઈને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.’