09 March, 2025 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લલિત મોદી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ તેમનો ભારતીય પાસપોર્ટ જમા કરાવવા અરજી કરી છે અને પૅસિફિક મહાસાગરના ટચૂકડા દેશ વનુઆતુની નાગરિકતા ખરીદી લીધી છે. આ દેશની નાગરિકતા માટે આશરે ૧.૩ કરોડ રૂપિયા ખર્ચવા પડતા હોય છે. આ ટૅક્સ-હેવન દેશ છે અને ભાગેડુ લોકો આ દેશમાં શરણ લેતા હોય છે. આ દેશની નાગરિકતા લેવાને કારણે લલિત મોદીને હવે ભારત લાવવા મુશ્કેલ થશે.
જાણવા મળે છે કે ૨૦૨૪ની ૩૦ ડિસેમ્બરે લલિત મોદીને વનુઆતુનો પાસપોર્ટ મળી ગયો છે. વળી વનુઆતુ સાથે ભારતને કોઈ પણ પ્રકારની પ્રત્યાર્પણ સંધિ નથી.
લલિત મોદી વિશે ખુલાસો કરતાં વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે ‘લલિત મોદીએ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનમાં તેમનો ભારતીય પાસપોર્ટ જમા કરાવવા અરજી કરી છે. હાલના નિયમો અને પ્રક્રિયા મુજબ એની તપાસ કરવામાં આવશે. અમને એ પણ જણાવવામાં આવ્યું છે કે તમણે વનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. અમે કાનૂની રીતે તેમની સામેના કેસોમાં આગળ વધી રહ્યા છીએ.’
ભાગેડુઓ માટે મનપસંદ છે વનુઆતુ
સાઉથ પૅસિફિકમાં આવેલા ૮૦ ટાપુઓના બનેલા આ દેશમાં માત્ર ત્રણ લાખ લોકોની વસ્તી છે. અહીં નાગરિકતા મેળવવા માટે કૅપિટલ ઇમિગ્રેશન પ્લાન હેઠળ ૧.૫૫ લાખ ડૉલરનું રોકાણ કરવાનું રહે છે અને આ દેશમાં કોઈ પણ પ્રકારનો ટૅક્સ લાગતો નથી. આ દેશમાં પગ મૂક્યા વિના ઑનલાઇન અરજી કરીને નાગરિકતા મળી શકે છે. ભાગેડુઓ માટે આ મનપસંદ દેશ છે. છેલ્લાં બે વર્ષમાં ૩૦ અમીર ભારતીયોએ અહીંની નાગરિકતા લીધી છે. અહીંના પાસપોર્ટ પર ૧૨૦ દેશોમાં વીઝા વિના પ્રવાસ શક્ય છે.
લલિત મોદી સામે શું આરોપ છે?
ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે લલિત મોદી સામે મની લૉન્ડરિંગ, ઉચાપત અને ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ (FEMA) ૧૯૯૯ના ઉલ્લંઘનનો આરોપ છે. ગેરકાયદે ફન્ડ ટ્રાન્સફર સહિત નાણાકીય ગેરરીતિની તપાસ તેમની સામે ચાલી રહી હતી ત્યારે ૨૦૧૦માં તેમણે ભારત છોડી દીધું હતું.