09 April, 2025 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે BJPમાં પ્રવેશ પ્રસંગે બોલતો કેદાર જાધવ.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કેદાર જાધવે ગઈ કાલે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં પ્રવેશ કરીને રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને અશોક ચવાણ સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેના પક્ષપ્રવેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચંદ્રશેખર બાવનકુળેએ કેદાર જાધવના પ્રવેશ બાદ કહ્યું હતું કે ‘આજકાલ યુવાનો રાજકારણમાં જોડાતા નથી. યુવાનોને હું કહેવા માગું છું કે રાજકારણમાં જોડાઈને તમારી સમસ્યાઓનું સમાધાન લાવો. સત્તામાં સહભાગી બનવાથી જ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવી શકે એમ હોવાથી કેદાર જાધવને યુવાઓને રાજનીતિમાં સક્રિય કરવાની જવાબદારી સોંપવામાં આવશે. આજના યુવાનો આવતી કાલના ભારતનું ભવિષ્ય છે. મને વિશ્વાસ છે કે કેદાર જાધવે દેશસેવામાં જોડાવાનો નિર્ણય લીધો છે એ જોઈને અનેક યુવાનો આગળ આવશે.’
મૂળ સોલાપુરના મરાઠી પરિવારમાંથી આવતા ભૂતપૂર્વ ક્રિકેટર કેદાર જાધવનો જન્મ પુણેમાં થયો હતો. મિડલ ઑર્ડર બૅટ્સમૅન કેદાર જાધવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મહારાષ્ટ્ર વતી રમવાની શરૂઆત કરી હતી અને બાદમાં તે ભારતીય ટીમમાં પહોંચ્યો હતો.