મધદરિયે મોત બનીને આવી ધસમસતી સ્પીડબોટ

19 December, 2024 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેવીની સ્પીડબોટે ૧૦૦ કરતાં પણ વધારે લોકોને એલિફન્ટા લઈ જતી ફેરીને જોરદાર ટક્કર મારીને ઊંધી વાળી નાખી, ૧૩ લોકોનાં મોત : સ્પીડબોટમાં બેસાડવામાં આવેલા નવા એન્જિનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એમાં ખરાબી આવી જવાથી દુર્ઘટના બની હોવાનો નેવીનો દાવો

સ્પીડબોટની ટક્કરથી ઊંધી વળી ગયેલી ફેરીમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા

ગેટવે ઑફ ઇન્ડિયા પાસેથી પૅસેન્જરોને એલિફન્ટા લઈ જતી નીલકમલ નામની ખાનગી બોટને નેવીની બોટે દરિયામાં ઉરણ-કારંજા પાસે ટક્કર મારતાં નીલકમલ બોટ ઊંધી વળી ગઈ હતી. ગઈ કાલે બપોરે ૩.૫૫ વાગ્યે બનેલી આ દુર્ઘટનાની જાણ થતાં જ નેવી, કોસ્ટ ગાર્ડ, સાગરી પોલીસ અને સ્થાનિક માછીમારો ઊંધી પડી ગયેલી બોટના પ્રવાસીઓને બચાવવા પોતાની બોટ લઈને ઘટનાસ્થળે દોડ્યાં હતાં. એમ છતાં આ દુર્ઘટનામાં ૧૦ પ્રવાસીઓ અને નેવીના ૩ કર્મચારીઓ સહિત કુલ ૧૩ જણનાં મોત થયાં હતાં.

નેવીની સ્પીડબોટ ટૂરિસ્ટોને લઈ જતી ફેરી સાથે આવીને ભટકાઈ હતી

નેવીની બોટમાં નવા એન્જિનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું : દેવેન્દ્ર ફડણવીસ

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં ૧૩ જણનાં મૃત્યુ થયાં છે એવી પ્રાથમિક માહિતી મળી છે. એ માહિતી પ્રમાણે બોટના ૧૦૧ પ્રવાસીઓને સુરક્ષિત બચાવી લેવાયા છે. બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે જેમને નેવીની હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ રહી છે. નેવી, કોસ્ટ ગાર્ડ અને પોલીસે ૧૧ બોટ અને ૪ હેલિકૉપ્ટરની મદદથી રેસ્ક્યુ ઑપરેશન કરીને ઝડપથી લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. નેવીનું કહેવું છે કે નેવીની જે બોટે ટક્કર મારી છે એમાં નવું એન્જિન બેસાડવામાં આવ્યું હતું અને એનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. એ લોકો ટેસ્ટિંગ અંતર્ગત અંગ્રેજી ‘8’નો આંકડો બનાવી રહ્યા હતા. એ વખતે તેમની બોટના થ્રોટલ એટલે કે બોટના એન્જિનના પાવરને રેગ્યુલેટ કરતા લીવરમાં ખામી સર્જાઈ હતી અને એથી બોટ પરથી તેમણે કન્ટ્રોલ ગુમાવ્યો હતો. આને લીધે બોટ પૅસેન્જર બોટ સાથે અથડાઈ હતી. મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદ મુખ્ય પ્રધાન સહાયતા નિધિમાંથી આપવામાં આવશે. આ ઘટનાની ઝીણવટભરી તપાસ નેવી અને પોલીસ બન્ને દ્વારા કરવામાં આવશે.’

ઊંધી વળી ગયેલી ફેરીમાંથી બચાવી લેવામાં આવેલા લોકો

નેવીની બોટે પહેલાં અમારી બોટની આજુબાજુ ચક્કર માર્યું હતું : બોટના માલિક

નીલકમલ બોટના માલિક રાજેન્દ્ર પળકેએ આ ઘટના વિશે કહ્યું હતું કે ‘અમારી બોટ રોજ પ્રવાસીઓને એલિફન્ટા લઈ જાય છે અને પાછા લાવે છે. અમારી બોટની કુલ કૅપેસિટી ૧૩૦ની છે, પણ અમે ૮૪ લોકોને જ બોટમાં બેસાડીએ છીએ. ગઈ કાલે પણ બોટ પર ૮૪ પ્રવાસીઓ અને અમારા પાંચ કર્મચારીઓ હતા. અમારી બોટને ટક્કર મારનારી એ સ્પીડ બોટ પહેલાં બોટની આજુબાજુ ચક્કર લગાવીને નીકળી ગઈ હતી. એણે થોડે દૂર જઈ સ્પીડમાં આવીને અમારી બોટને ટક્કર મારી હતી જેને કારણે અમારી બોટ મધદરિયે ઊંધી વળી ગઈ હતી અને અકસ્માત થયો હતો. બોટ ઊંધી વળ્યાની જાણ થતાં જ આજુબાજુના માછીમારોની બોટ સહિત કોસ્ટ ગાર્ડ અને નેવીની બોટ અમારી બોટ તરફ ધસી આવી હતી અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.’

બોટમાં પાણી ભરાયું અને ઊંધી વળી ગઈ : પ્રવાસી

બોટમાં પ્રવાસ કરી રહેલા એક પ્રવાસીએ કહ્યું હતું કે ‘બોટ શરૂ થયા પછી લગભગ ૧૦ કિલોમીટર દૂર ગઈ હશે ત્યારે નેવીની સ્પીડ બોટે આવીને અમારી બોટને ટક્કર મારી હતી. હું ઉપરની તરફ હતો. બોટના કૅપ્ટને કહ્યું કે બોટે ટક્કર મારી હોવાથી આપણી બોટને નુકસાન થયું છે એટલે લાઇફ-જૅકેટ પહેરી લો. એટલે મેં લાઇફ-જૅકેટ પહેર્યું અને નીચે આવીને જોયું તો બોટમાં પાણી ભરાઈ રહ્યું હતું અને પછી બોટ ઊંધી વળી ગઈ હતી. લાઇફ-જૅકેટ પહેરીને હું લગભગ પંદરેક મિનિટ સુધી તરતો રહ્યો એ પછી રેસ્ક્યુ ટીમે આવીને મને બચાવી લીધો હતો. બોટમાં ૧૦૦ કરતાં વધુ લોકો હતા એટલું જ નહીં, બાળ‍કોને લઈને પણ અનેક પરિવારો આવ્યા હતા. જે રીતે નેવીની બોટ અમારી બોટ તરફ આવી રહી હતી એ જોઈને લાગતું હતું કે એ બોટ અમારી બોટને ટક્કર મારશે. ટક્કર માર્યા બાદ એ સ્પીડ બોટના એક માણસનો પગ કપાઈ ગયો હતો અને એ ઊછળીને અમારી બોટમાં પડ્યો હતો.’

gateway of india indian navy mumbai mumbai news