20 December, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોહાન
ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જવા નીકળેલી નીલકમલ નામની ફેરીને નેવીની સ્પીડબોટે બુધવારે બપોરે મારેલી ટક્કરને કારણે થયેલા અકસ્માતમાં હવે ૧૪ જણનાં મોત નોંધાયાં છે, જ્યારે ૭ વર્ષનો જોહાન હજી સુધી મિસિંગ છે. ગઈ કાલે સવારથી જોહાન અને ૪૩ વર્ષના હંસારામ ભાટીને શોધવાના ફરી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. નેવીની ૯ બોટ અને એક હેલિકૉપ્ટર દ્વારા તેમની શોધ ચલાવવામાં આવી હતી. જોકે હંસારામ ભાટીનો મૃતદેહ ઊંધી વળી ગયેલી ફેરીમાંથી જ મળી આવ્યો હતો.
ગોવાના મ્હાપ્સામાં રહેતા અશરફ પઠાણ તેમના પરિવાર સાથે મુંબઈ ફરવા આવ્યા હતા. તેમની સાથે તેમની ૩૪ વર્ષની પત્ની સફીના, ૭ વર્ષનો પુત્ર જોહાન, ૧૦ મહિનાનું બીજું બાળક અને સાળી સોનાલી હતાં. બુધવારના અકસ્માતમાં સફીનાનું મૃત્યુ થયું હતું અને જોહાન હજી પણ મિસિંગ છે. પઠાણ પરિવાર પર હાલ દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.
ડિફેન્સના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘નેવીની જે સ્પીડબોટે નીલકમલ ફેરીને ટક્કર મારી હતી એમાં કુલ ૬ જણ હતા જેમાંથી ૪નાં મોત થયાં છે. નેવીની એ બોટ પર નેવીના કર્મચારી અને બોટની મૅન્યુફૅક્ચરિંગ કંપનીના કર્મચારીઓ હતા. અત્યારે નેવીનો એક કર્મચારી અને બોટની કંપનીનો માણસ ક્રિટિકલ છે. અકસ્માત થયો ત્યારે દરિયામાં હેવી કરન્ટ હતો જેને લીધે જે લોકો તણાઈ ગયા હતા તેઓ બહુ ઓછા સમયમાં દૂર પહોંચી ગયા હતા.’
કોલાબા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો
૧૪ જણનો ભોગ લેનારી આ દુર્ઘટનામાં કોલાબા પોલીસે નેવીની બોટના ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક બોટ ચલાવીને લોકોનાં મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધ્યો છે. કોલાબા પોલીસ-સ્ટેશનનાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સ્વાતિ પેટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ અમે નેવીની બોટના ડ્રાઇવર સામે ગુનો નોંધીને કેસની વધુ તપાસ ચાલુ કરી છે. આ ઘટના વિશે નવી જાણકારી મેળવવાના પ્રયાસ ચાલુ છે. અત્યારે બચી ગયેલા તમામ લોકો આઘાતમાં હોવાથી અમે તેમનાં સ્ટેટમેન્ટ નથી નોંધ્યાં.’