ગેટવે ઑફ ઇન્ડિયામાં હવે ડીઝલને બદલે ઇલેક્ટ્રિક બોટ ચાલશે

20 May, 2026 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા તબક્કામાં ૨૫ પારંપરિક બોટનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

​ઈંધણની બચત તેમ જ પ્રદૂષણ ઘટાડવા માટે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ડીઝલ દ્વારા સંચાલિત પારંપરિક બોટનું ઇલેક્ટ્રિફિકેશન કરવાની જાહેરાત મહારાષ્ટ્રના ફિશરીઝ મિનિસ્ટર નીતેશ રાણેએ કરી હતી. 

બોટ સર્વિસ ચલાવતા કોળી સમાજની બધી બોટના આધુનિકીકરણ માટે પહેલા તબક્કામાં સૌપ્રથમ ૨૫ લાભાર્થીઓને પ્રાધાન્ય અપાશે અને તેમની ડીઝલથી ચાલતી બોટનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વિશેની બેઠકમાં નીતેશ રાણેએ જણાવ્યું હતું કે ‘હાલમાં ગેટવે ઑફ ઇન્ડિયામાં સર્વિસ આપતી ૯૭ બોટ લાઇસન્સ ધરાવે છે અને બોટના માલિકો એક મહિનામાં ડીઝલ પાછળ એક લાખ રૂપિયા ખર્ચે છે. ઇકો-ફ્રેન્ડ્લી ટૂરિઝમને પ્રોત્સાહન અને બોટમાલિકોને ખર્ચ ઘટાડવા ડીઝલ બોટના સ્થાને ઇલેક્ટ્રિક બોટ લાવવી જરૂરી છે.’ 

એક ઇલેક્ટ્રિક બોટનો ખર્ચ બેથી છ કરોડ રૂપિયા

આ પ્રોજેક્ટ માટે મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્ક સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે જે પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડશે. પ્રોજેક્ટ પાછળ થનારા ખર્ચ વિશે નીતેશ રાણેએ જણાવ્યું હતું કે એક ઇલેક્ટ્રિક બોટનો ખર્ચ બેથી લઈને ૬ કરોડ રૂપિયા જેટલો થાય છે. ફિશરીઝ કો-ઑપરેટિવ સોસાયટી, પ્રાઇવેટ બોટના માલિકો અને અસોસિએશન્સ માટે ઇલેક્ટ્રિક બોટ લેવાનું સરળ રહે એ માટે બૅન્કે ઓછા વ્યાજે લોન આપવાની નીતિ તૈયાર કરવી જોઈએ.

mumbai news mumbai gateway of india mumbai transport travel news petrol diesel price