લાલબાગની ઇલેક્શનની માર્કેટમાં મંદીનો ઓછાયો

14 November, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝંડા, ખેસ, બિલ્લા, ટોપી, હૅન્ડ-બૅન્ડ વગેરે હવે બલ્કમાં સુરત અને અમદાવાદથી મગાવી લે છે રાજકીય પક્ષો

પ્રતીકાત્મક તસવીર

વિધાનસભાની ચૂંટણીને હવે એક જ અઠવાડિયાની વાર છે ત્યારે મુંબઈમાં ખાસ કરીને ચૂંટણી-મટીરિયલની માર્કેટના વેપારીઓ હજી પણ ગ્રાહકની રાહ જોઈ રહ્યા છે. તેમની હાલત કફોડી થઈ ગઈ છે.

ચૂંટણી આવે એટલે વિવિધ પાર્ટીઓ તેમની પાર્ટીનાં ઝંડા, ખેસ, ટોપી નેતાઓના ફોટો સાથેના બિલ્લા વગેરે તેમના સમર્થકોમાં છૂટથી વહેંચીને પ્રચાર અને પ્રસાર કરતી હોય છે. મુંબઈના લાલબાગ વિસ્તારમાં એની માર્કેટ છે અને સંખ્યાબંધ વેપારીઓ એનો વેપાર કરે છે. જોકે હજી ત્યાં કોઈ જાતની ખાસ ચહલપહલ જોવા મળતી નથી.

આ વિશે માહિતી આપતાં પારેખ બ્રધર્સના યોગેશ પારેખે કહ્યું હતું કે ‘અમે છેલ્લાં ૭૫ વર્ષથી આ ધંધો કરીએ છીએ, પણ છેલ્લાં પાંચ-સાત વર્ષથી એમાં ફરક જણાઈ રહ્યો છે. રાજકીય પક્ષો ઍડ્વાન્સમાં જ એ મટીરિયલ બલ્કમાં ખાસ કરીને સુરત અને અમદાવાદથી ખરીદી લે છે અને ત્યાર બાદ તેમના પક્ષોના કાર્યકરોમાં, સમર્થકોમાં એની વહેંચણી કરે છે જેના કારણે અમારી પાસે જે ખરીદી હતી એમાં બહુ જ ખોટ પડી છે.’

દુકાને જે થોડાઘણા લોકો ખરીદી કરવા આવે છે તેમના વિશે માહિતી આપતાં યોગેશ પારેખે વધુમાં કહ્યું હતું કે ‘હવે શું થાય છે કે રૅલી, સભા હોય અને ધાર્યા કરતાં જો વધારે માણસો આવી જાય અને જો એ વહેંચવાનું મટીરિયલ ઓછું પડે તો જ અમારી પાસે તેઓ આવે છે અને એ ખૂટતી ચીજો લઈ જાય છે.’

નૅશનલ ડ્રેસવાલાએ આ વિશે કહ્યું હતું કે ‘હવે પાર્ટીઓ બલ્કમાં લેતી હોવાથી અમારી પાસે ઓછા આવે છે. એમાં પણ અમને હવે મટીરિયલ મોંઘું પણ મળે છે અને સ્ટિચિંગ ચાર્જિસ પણ વધી ગયા છે. સામે પાર્ટી સસ્તામાં માગે એટલે છેવટે પ્રૉફિટ પર કાતર ચલાવીને પણ માલ તો આપવો જ પડે. આમ હવે ધંધામાં બહુ કસ રહ્યો નથી.’

રાધેશ્યામ ડ્રેસવાલાના તેજસ પટેલે કહ્યું હતું કે ‘કેટલાક વેપારીઓએ હવે તેમનો ધંધો થોડો ડાઇવર્સિફાઇ કર્યો છે. તેમણે ચૂંટણી-મટીરિયલ વેચવાની સાથે બર્થ-ડે પાર્ટી વખતે વપરાતું ડેકોરેશનનું મટીરિયલ અને વિ​વિધ તહેવારો વખતે વપરાતી ચીજો વેચવાનું ચાલુ કર્યું છે. ફક્ત ચૂંટણી-મટીરિયલની શૉપ રાખવી હવે પરવડે એમ નથી એથી કેટલાકે તો ડ્રેસ-મટીરિયલ અને જ્વેલરી ભાડે આપવાનો ધંધો પણ ચાલુ કર્યો છે.’ 

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections lalbaug business news