01 December, 2024 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદેની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના કૅરટેકર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શુક્રવારે બપોર બાદ તેમના સાતારામાં આવેલા દરે ગામ પહોંચી ગયા હતા. શરદી અને તાવની તકલીફ હોવાથી તેઓ બે દિવસ ગામમાં આરામ કરવા માટે ગયા છે. જોકે આરામ દરમ્યાન એકનાથ શિંદેની તબિયત વધુ બગડી હોવાનું જાણવા મળ્યું હતું.
શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન ઉદય સામંતે ગઈ કાલે કહ્યું હતું કે ‘એકનાથ શિંદેને ત્રણ દિવસથી તાવ ઊતરી નથી રહ્યો અને ગઈ કાલે સવારે તેમની તબિયત વધુ ખરાબ થવાથી સાતારાથી ડૉક્ટરોની ટીમ દરે ગામમાં આવેલા એકનાથ શિંદેના ઘરે બોલાવવામાં આવી હતી. ડૉક્ટરોની પ્રાથમિક તપાસમાં એકનાથ શિંદેને વાઇરલ ફીવર હોવાનું જણાયું છે. તેઓ એક મહિનાથી ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હતા અને છેલ્લા કેટલાક દિવસમાં તો તેમણે અસંખ્ય બેઠકો કરી હતી. વહેલી સવારથી મોડી રાત સુધીના સતત કામને કારણે થાક લાગવાથી તેમની તબિયત ખરાબ થઈ છે. ડૉક્ટરોએ સારવાર ચાલુ કરી દીધી છે.’
એકનાથ શિંદેની સારવાર કરનારા ડૉ. આર. એમ. પાર્ટેએ પત્રકારોને માહિતી આપી હતી કે ‘ગઈ કાલે રાત્રે એકનાથ શિંદેની તબિયત બગડી હતી. તેમને સતત તાવ આવી રહ્યો છે, શરદી પણ છે અને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે. તેમની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે અને સલાઇન અને આઇવી લાવવામાં આવી છે. એક-બે દિવસમાં તેમની તબિયતમાં સુધારો થઈ જશે. તેમને બીજી કોઈ મુશ્કેલી નથી એટલે આવતી કાલે મુંબઈ જવાના છે એમ તેમણે કહ્યું છે.’