25 November, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉથ મુંબઈમાં આવેલા એક કલ્ચરલ સેન્ટરમાં ૧૩ વર્ષની સ્કૂલ-ગર્લની જાતીય સતામણી થવાની માહિતી પોલીસે મંગળવારે આપી હતી. આ વિશે ફરિયાદ મળ્યા બાદ પોલીસે ડ્રામા-ટીચરને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે જણાવ્યા મુજબ આ ઘટના રવિવારે સવારે બની હતી. આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાઉથ મુંબઈમાં આવેલા ગવર્નમેન્ટ એઇડેડ કલ્ચરલ સેન્ટરમાં ગઈ હતી. આ સેન્ટરમાં ડ્રામા-રિહર્સલ માટે વર્કશૉપ તેમ જ ઇન્ટર-સ્કૂલ કૉમ્પિટિશન યોજાતાં હોય છે.
વિદ્યાર્થિની રિહર્સલ માટે આવી ગઈ હોવાની જાણ કરવા માટે પહેલા માળે ગઈ ત્યારે ડ્રામા-ટીચરે તેને રૂમનો દરવાજો બંધ કરવાનું કહ્યું હતું. ત્યાર પછી તેના શરીરને અણછાજતો સ્પર્શ કરીને અડપલાં કર્યાં હતાં. જોકે વિદ્યાર્થિની તરત જ ત્યાંથી ભાગી ગઈ હતી અને આ બાબતની જાણ તેની બહેનપણીઓને કરી હતી.
ત્યાર પછી ત્રણેય વિદ્યાર્થિનીઓએ ત્યાં હાજર અન્ય લોકો સાથે મળીને આરોપી ડ્રામા-ટીચરને આ બાબતે સવાલ કર્યા હતા. ઊહાપોહ થતાં ઘણા લોકો જમા થઈ ગયા હતા અને રેલવે-પોલીસનો એક જવાન પણ ત્યાં આવી પહોંચતાં આરોપી ડ્રામા-ટીચર ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસે આ મામલે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ ઉપરાંત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તેની શોધ આદરી છે.