બોરીવલીમાં ૧૪ સોસાયટીના સિવિક પાર્ક ફેડરેશનની દિવાળીમાં અનુકરણીય પહેલ

12 November, 2024 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેમ્બરોને હાકલ કરી ન વપરાતી ચીજો ડોનેટ કરવાની, ૧૦ બેન્ચ ત્રણ વખત ભરાઈ અને ત્રણ વખત ખાલી થઈ : રહેવાસીઓના ઘરે કામ કરતી મહિલાઓ, ડ્રાઇવરો, સિક્યૉરિટી ગાર્ડ‍્સ પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ લઈ ગયાં

લોકોએ કપડાં, બુક્સ જેવી અનેક આઇટમો બેન્ચ પર મૂકી હતી (ડાબે), ટ્રૉલી ભરીને સામાન લઈ આવેલા આ યુવાનના મોઢા પર આપવાનો અને મદદ કરવાનો આનંદ છલકાતો હતો (જમણે)

બોરીવલી-વેસ્ટના શિંપોલી પાસે આવેલા સિવિક પાર્ક ફેડરેશનમાં ૧૪ સોસાયટી છે જેમાં અનેક પરિવાર રહે છે. આ સિવિક પાર્ક ફેડરેશને તેમના મેમ્બર્સને હાકલ કરી હતી કે તેમના ઘરમાં ન વપરાતી ચીજો વાપરી શકાય એવી કન્ડિશનમાં હોય અને તેઓ જો એ ડોનેટ કરવા માગતા હોય તો કૉમ્પ્લેક્સના ગાર્ડનની બેન્ચ પર મૂકી જાય. આ પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો અને ગાર્ડનની ૧૦ બેન્ચ એ સામાનથી ભરાઈ ગઈ હતી. એ ચીજો એ મેમ્બર્સના ઘરે કામ કરતી મહિલાઓ, સિક્યૉરિટી ગાર્ડ્સ અને ડ્રાઇવર વગેરે લોકો તેમની જરૂરિયાત મુજબ લઈ ગયાં હતાં.

અમે પણ અમારાથી બનતી મદદ કરવા આવી પહોંચ્યાં

આ અભિયાન વિશે માહિતી આપતાં સિવિક પાર્ક ફેડરેશનના કમિટી-મેમ્બર ધર્મેશ ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)નો મેસેજ એ માટે આવ્યો હતો. એ જોઈને મને લાગ્યું કે અમારું કૉમ્પ્લેક્સ મોટું છે અને એમાં ઘણા મેમ્બર્સ છે તો આપણા માટે કામ કરતા લોકો માટે કેમ આપણે આવું પગલું ન ભરીએ? એટલે મેં અન્ય કમિટી-મેમ્બર્સને પૂછ્યું અને તેમણે એ વાતને વધાવી લીધી. અમે એ બાબતનો વૉટ્સઍપ-મેસેજ અમારા ગ્રુપ પર મૂક્યો અને મેમ્બર્સે એને પૉઝિટિવલી લઈ બહુ સરસ સપોર્ટ આપ્યો. કપડાં, વાસણ, રમકડાં, ઇલેક્ટ્રૉનિક ગૅજેટ‍્સ, ધાર્મિક બુક્સ, નૉવેલ અને એજ્યુકેશનને લગતી બુક્સ પણ એમાં હતી. અનેક આઇટમ્સનો ઢગલો થવા માંડ્યો. વળી લોકો સ્વેચ્છાએ આપી રહ્યા હતા. બીજું, જ્યારે એ લોકો પોતાની જરૂરિયાતની ચીજ-વસ્તુઓ શોધીને લેવા માંડ્યા ત્યારે કોઈએ તેમના ફોટો લીધા નહોતા કે તેમને શરમમાં મૂક્યા નહોતા. મજાની વાત એ હતી કે બેન્ચ ખાલી થવા માંડી એટલે લોકો ફરી પાછા એના પર બીજી વસ્તુઓ ઘરેથી લાવીને મૂકતા રહ્યા. ૧૦ બેન્ચ ત્રણ વાર ભરાઈ અને ત્રણ વાર ખાલી થઈ. ખરેખર આવો પ્રતિભાવ મળશે એવો અમને અંદાજ નહોતો. અમે આવું ફર્સ્ટ ટાઇમ કર્યું હતું. ૬ નવેમ્બરે એક દિવસ માટે એનું આયોજન કર્યું હતું, પણ લોકોનો પ્રતિસાદ જોતાં વધુ એક દિવસ આ અભિયાન લંબાવ્યું હતું. આમ આ દિવાળીમાં અન્યને મદદ કરી દિવાળી ઊજવવાનો આ આનંદ અભૂતપૂર્વ રહ્યો.’

diwali festivals borivali mumbai mumbai news