આ‌દિત્ય ઠાકરેને ૫૦૦ કરોડ રૂ‌પિયાની માનહા‌નિની નો‌ટિસ ફટકારવા ‌દિશાના ‌પિતા માતોશ્રી જશે

18 September, 2026 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ‌દિત્ય ઠાકરેને ૫૦૦ કરોડ રૂ‌પિયાની માનહા‌નિની નો‌ટિસ ફટકારવા ‌દિશાના ‌પિતા સતીશ સા‌લિયન પોતે માતોશ્રી જશે

સતીશ સાલિયન, આ‌દિત્ય અને ઉદ્ધવ ઠાકરે, અ‌નિલ દેશમુખ

નો‌ટિસમાં ભૂતપૂર્વ ગૃહપ્રધાન અ‌નિલ દેશમુખનું પણ નામ ઃ ૭ દિવસમાં બન્ને નેતાઓ માફી માગે, તેમનાં નિવેદનો પાછાં ખેંચે એવી નોટિસમાં માગણી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મૃત્યુના કેસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી ત્યાર બાદ કેસમાં રસપ્રદ વળાંકો આવી રહ્યા છે. હવે દિશા સાલિયનના પિતા સતીશ સાલિયન દ્વારા શિવસેના (UBT)ના વિધાનસભ્ય તથા જેમનું નવા FIRમાં નામ છે તે આદિત્ય ઠાકરે તથા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ૫૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ આદિત્ય ઠાકરેના ઘર માતોશ્રીમાં જઈને રૂબરૂમાં ફટકારવાની સતીશ સાલિયન અને તેમના વકીલ નીલેશ ઓઝાએ જાહેરાત કરી છે. શનિવારે સાંજે ૪ વાગ્યે તેઓ નોટિસ લઈને માતોશ્રી જશે.

નોટિસમાં માગણી કરવામાં આવી છે કે બન્ને નેતાઓ માફી માગે, તેમનાં નિવેદનો પાછાં ખેંચે અને ૫૦૦ કરોડ રૂપિયાનું વળતર ચૂકવે. આ માગણીઓનું પાલન કરવા માટે તેમને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

પોતાની દીકરી માટે ન્યાય માટેની લડતને રાજકીય હેતુથી ચલાવવામાં આવેલી તથા છબિ ખરડાવવા માટે ચલાવાતી ઝુંબેશ-કાવતરું ગણાવવા બદલ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. 
સતીશ સાલિયન રાજકીય હેતુથી પ્રેરિત થઈને આ બધું કરી રહ્યા હોવાનું નિવેદન આદિત્ય ઠાકરે દ્વારા આપવામાં આવ્યું હતું. એને પગલે સતીશ સાલિયનના વકીલ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ‘આદિત્ય ઠાકરે દ્વારા કરવામાં આવેલા આરોપોનો કોઈ જ આધાર નથી. આદિત્ય ઠાકરેએ એવો ખોટો દાવો કર્યો છે કે આ પહેલાં પણ આ મામલે તપાસ થઈ ચૂકી છે જેમાં પોતે નિર્દોષ પુરવાર થઈ ગયા છે અને આ કેસમાં પોતાની કોઈ જ સંડોવણી નથી. આ પહેલાં ૨૦૨૫માં અનિલ દેશમુખ દ્વારા આદિત્ય ઠાકરેએ એવું નિવેદન જાહેર કર્યું હતું કે પોતાની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે અને કાવતરાપૂર્વક ખોટી થિયરી રચાઈ રહી છે. આ નિવેદનને મોટા પાયે ફેલાવવામાં આવ્યું હતું જેના કારણે સતીશ સાલિયન અપ્રામાણિકપણે બધું કરી રહ્યા હોવાની છાપ પડી હતી. એને કારણે આદિત્ય ઠાકરે ઉપરાંત અનિલ દેશમુખ વિરુદ્ધ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે અને ૫૦૦ કરોડ રૂપિયાના વળતરની માગણી કરવામાં આવી છે.’

કૉક્રૉચ જનતા પાર્ટી કરતાં વધુ લોકોને એકઠા કરીને આંદોલન કરી શકીએ છીએ ઃ અૅડ્વોકેટ નીલેશ ઓઝા

સતીશ સાલિયન વતી કેસ લડી રહેલા વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે ‘શનિવારે ૪ વાગ્યે સતીશ સાલિયન પોતે અમારી ઍડ્વોકેટની ટીમ સાથે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીએ જઈને તેમને નવી નોટિસ ફટકરાશે. શિવસેના (UBT)નાં નેતા સુષમા અંધારેએ ધમકી આપી છે કે ‘આદિત્ય ઠાકરે પર આરોપ લાગ્યો છે તો તે અમને પ્રૅક્ટિસ નહીં કરવા દે.’ અમે માતોશ્રી જઈને નોટિસ આપીશું, તેમને જેટલા પણ ગુંડા બોલાવવા હોય એટલા બોલાવી લે. તેમને અમે પણ બંધારણની તાકાત દેખાડીશું.’ 
નીલેશ ઓઝાએ કહ્યું હતું કે ‘એક પિતા ન્યાય માગે છે અને અમારી પાસે પુરાવા છે. આદિત્ય ઠાકરેને પૂછો કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ તેનો ફોન સર્વેલન્સ પર રાખ્યો એમાં જણાયું કે તે ડ્રગ્સનો ધંધો કરે છે અને પોતે ડ્રગિસ્ટ છે એનો શું જવાબ છે. તમારા મોબાઇલ ફોન ટાવર લોકેશન વિશે શું જવાબ છે? આખો દેશ જોઈ રહ્યો છે. કૉમન મૅન તમારાથી ડરવાનો નથી. બંધારણની તાકાત છે. પોલીસ, આર્મી કૉમન મૅનની સેવા માટે, રક્ષા માટે છે. અમારા સપોર્ટમાં આધાર કાર્ડ સાથે એક લાખ લોકોએ મેસેજ મોકલ્યા છે. તેઓ આંદોલનમાં સામેલ થવા તૈયાર છે. કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનમાં જેટલા લોકો જમા થયા હતા એના કરતાં દસગણા લોકો અમારા આંદોલનમાં સામેલ થવા તૈયાર છે. અમે હાલ આંદોલન કરવાની ના પાડી છે.’

મોદી અને ટ્રમ્પનું નામ કેમ FIRમાં નથી લખ્યું? હવે બહુ થયું, હું પણ લીગલ ઍક્શન લઈશ : ઉદ્ધવ ઠાકરે

શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે આખરે દિશા સાલિયન મૃત્યુકેસમાં દીકરા આદિત્ય ઠાકરે તથા પોતાના નામની સંડોવણી વિશે પહેલી વખત જ પ્રતિક્રિયા આપી હતી અને આખો કેસ આદિત્ય ઠાકરેની છબિ ખરડાવવા માટે રાજકીય સ્વાર્થ હેતુ ચલાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આ જે ઝુંબેશ ચાલી રહી છે એ વધુ ચલાવવામાં નહીં આવે અને હું પણ સામે કાયદેસરનાં પગલાં લઈશ. આજે મારું નામ છે, કાલે તમારું પણ આવશે. તો પછી નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનાં નામ કેમ નથી લખ્યાં? કાલે તે પણ સંડોવાશે. ક્યાં સુધી અમે આ સહન કરીશું? હવે બહુ થઈ ગયું, અમારું નામ ખરાબ કરવાનો સિલસિલો ચાલુ રહેશે તો હું પણ કાયદેસરનાં પગલાં ભરીશ.’

તમારા છોકરાને સંભાળોને, અમને ધમકીઓ મળી રહી છે, અમે પણ બતાવીશું કે કૉમન મૅનની તાકાત શું છે : સતીશ સાલિયન

ગુરુવારે ઉદ્ધવ ઠાકરેએ આદિત્ય ઠાકરેના બચાવમાં આપેલા નિવેદનનો જવાબ આપતાં સતીશ સાલિયને કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ પોતાના દીકરાને અંકુશમાં રાખવો જોઈએ. તે ખરાબ કામ કેમ કરે છે? ખરાબ કામ કરશે તો બદનામ જ થશેને. તેને પ્રધાન કેમ બનાવ્યો હતો? પ્રધાન બનાવ્યો હતો જનતાની સેવા માટે, સુરક્ષા માટે. જનતાની કે કોઈ છોકરીની સાથે ખરાબ કામ કરવા માટે નહીં. શનિવારે ૪ વાગ્યે અમે તેમના ઘરે જઈને નોટિસ આપીશું. તે અમને ધમકીઓ આપે છે. અમે પણ દેખાડી દઈશું કે કૉમન મૅનની તાકાત કેટલી છે.’ 

mumbai news mumbai aaditya thackeray disha salian