ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનામાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો

20 December, 2024 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધારાવી રીડેવલપમેન્ટમાં ઉપરના માળવાળાઓને પણ મળશે જગ્યા : જોકે ૩૦૦ સ્ક્વેરફુટનું એ ઘર ધારાવીમાં નહીં હોય અને ૨૫ વર્ષ સુધી એનું સામાન્ય ભાડું ભરવાનું રહેશે

ફાઇલ તસવીર

ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP)માં ગ્રાઉન્ડ ફ્લોરની ઉપરના માળ પર રહેતા લોકોને પણ પાત્ર (કાયદેસર) ગણીને તેમને ઘર આપવાની યુનિક પૉલિસીની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય લઈને DRPમાં બધાને આવરી લેવામાં આવ્યા છે. ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન માટે આ ઐૈતિહાસિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનામાં ઉપરના માળને ગેરકાયદે ગણવામાં આવે છે અને એને યોજનામાંથી બાકાત રાખવામાં આવતા હોય છે. એને લીધે તેઓ બીજે ગેરકાયદે ઝૂંપડાં બનાવીને વસતા હોવાથી એનો રસ્તો કાઢવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

૪ ઑક્ટોબરે આ બાબતે બહાર પાડવામાં આવેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) મુજબ ૨૦૨૨ની ૧૫ નવેમ્બર સુધીના તમામ ઉપરના માળને આ યુનિક સ્કીમ માટે પાત્ર ગણવામાં આવશે. આ યોજનાને હાયર-પર્ચેઝ સ્કીમ નામ આપવામાં આવ્યું છે જેમાં દરેક ટેનામેન્ટની સામે ધારાવીની બહાર પણ મુંબઈમાં જ ૨૫ વર્ષના સામાન્ય ભાડા પર ૩૦૦ સ્ક્વેરફુટની રૂમ આપવામાં આવશે. ૨૫ વર્ષ બાદ એ જગ્યા ટેનામેન્ટ ધરાવનારી વ્યક્તિની માલિકીની થઈ જશે. જો કોઈ વ્યક્તિ એ પહેલાં જ જગ્યાની માલિક બનવા માગતી હોય તો તેણે એક જ વખતે ઊચક રકમ ભરવાની રહેશે. જોકે ભાડું અને જગ્યા ખરીદવા માટે કેટલા રૂપિયા આપવાના એ રાજ્ય સરકાર નક્કી કરશે.

શરતો લાગુ

GRમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે લોકો પાસે ઉપરના માળનું ઇલેક્ટ્રિસિટી બિલ, સેલ અથવા રેન્ટનું રજિસ્ટર્ડ ઍગ્રીમેન્ટ, આધાર કાર્ડ, રૅશન કાર્ડ, ફ્લોર લખેલો પાસપોર્ટ અથવા ગ્રાઉન્ડ ફ્લોરના માલિકનું સર્ટિફાઇડ ઍફિડેવિટ હશે તે જ આ હાયર-પર્ચેઝ સ્કીમમાં પાત્ર ગણાશે. 

આ સ્કીમ હેઠળ ધારાવીના લોકોને પ્રાઇવેટ ટૉઇલેટ અને કિચન સહિતની તમામ જરૂરી ઍમિનિટીઝ મળશે જેનાથી તેમના જીવનધોરણમાં પણ સુધારો થશે. જે બિલ્ડિંગમાં પુનર્વસન કરવામાં આવશે એને દસ વર્ષ સુધી બિલ્ડર મેઇન્ટેઇન કરશે જેથી રહેવાસીઓ પર આર્થિક ભાર ન આવે.
- DRPના અધિકારી

dharavi mumbai slums mumbai mumbai news