09 October, 2024 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં હરિયાણાનો વિજય ઊજવતા દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર BJPના પ્રેસિડન્ટ ચંદ્રશેખર બાવનકુળે.
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં દસમાંથી દસ બેઠક મેળવ્યા બાદ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાંચ જ બેઠકમાં વિજયી થઈ હતી. આથી લોકસભાની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ BJPનો રકાસ થશે અને કૉન્ગ્રેસ સત્તા મેળવશે એવી અટકળો લગાવવામાં આવતી હતી. જોકે BJPએ દસ વર્ષના સત્તાવિરોધી જુવાળને પછાડીને ત્રીજી વખત વિજય મેળવ્યો છે. આ વિશે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્ય BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘હરિયાણાની જનતાએ કહ્યું છે કે ફેક નેરેટિવના વિરોધમાં મતદાન કર્યું છે. વિરોધી પક્ષોએ અગ્નિવીર યોજના સામે, કુસ્તીના પ્લેયરોને ભડકાવવાની સાથે જાતિ-જાતિ વચ્ચે વિખવાદ ઊભો કર્યો હતો. મતદારોએ આ બધા દાવપેચને નકારીને વિકાસને મહત્ત્વ આપ્યું છે. આ પરિણામ દર્શાવે છે કે જનતા માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાથે છે. રાહુલબાબા વિરોધી પક્ષનેતા બન્યા બાદ નાટક અને નૌટંકી કરી રહ્યા છે. હરિયાણાની જનતાએ રાહુલ ગાંધીને જવાબ આપીને વિરોધી પક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીને પહેલી સલામી આપી છે. હરિયાણા બાદ મહારાષ્ટ્રની જનતા બીજી સલામી આપશે. હા, વિજય મૂર્ખાઓના નંદનવનમાં રાચનારાઓને જમીન પર લાવનારો છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં કયો પક્ષ વિજયી થયો એ મહત્ત્વનું નથી, અહીં ભારત અને લોકશાહીનો વિજય થયો છે. જે લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે તેમણે જોવું જોઈએ કે અમે કાશ્મીરમાં સફળતાપૂર્વક ચૂંટણી યોજીને બતાવી. મહારાષ્ટ્રની જનતાને કહેવા માગું છું કે અમે વિજયના મદમાં છકી નહીં જઈએ. આ વિજયે અમને નમ્રતા શીખવી છે. ફેક નૅરેટિવથી વારંવાર વિજય નથી મળતો. સવારે ૯ વાગ્યે બકબક કરનારા રાતથી સ્ક્રિપ્ટ તૈયાર કરીને બેઠા હતા. આજે આ બકબક કરનારાને પૂછવું છે કે હવે કેવું લાગે છે? જનતા સાથે બેઈમાની કરીને ચૂંટાઈ આવ્યા છે આ લોકો. જનતા તેમને તેમની જગ્યા બતાવ્યા વિના નહીં રહે.’