12 November, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ ઍરપોર્ટ પરથી ૧૪ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ આગામી સમર-શેડ્યુલથી નવી મુંબઈ ખસેડવાના ઑપરેટરના પ્લાન સામે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વાંધો ઉઠાવ્યો છે. તેમણે ટર્મિનલ-1 (T1)નું તબક્કાવાર રીડેવલપમેન્ટ કરવાની હિમાયત કરી છે જેથી મુસાફરો અને ઍરલાઇન્સને હાલાકી ન ભોગવવી પડે. આ વિશે તેમણે યુનિયન સિવિલ એવિયેશન મિનિસ્ટ્રીને પત્ર લખીને સૂચવ્યું છે કે પહેલાં ટર્મિનલ 1B તૈયાર કરવામાં આવે, ત્યાર બાદ ટર્મિનલ 1Aને 1Bમાં શિફ્ટ કરવામાં આવે અને પછી જ જૂના ટર્મિનલ 1Aને તોડવામાં આવે.
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL) દ્વારા ઍરલાઇન્સને જાણ કરવામાં આવી હતી કે સમર ૨૦૨૭ શેડ્યુલથી ટર્મિનલ 2 (T2) ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની કામગીરીમાં એક તૃતીયાંશ જેટલો ઘટાડો કરવામાં આવશે જેથી T1ના ડિમોલિશનના પ્રથમ તબક્કામાં અસરગ્રસ્ત થનારા વાર્ષિક ૫૦ લાખ સ્થાનિક મુસાફરોને T2 પર સમાવી શકાય. આ ઉપરાંત અદાણી ઍરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા ૧૪ આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ્સ નવી મુંબઈ ખસેડવાની યોજના રજૂ કરાઈ હતી.
બીજી તરફ ઍરલાઇન્સનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ અસોસિએશન (IATA)એ પણ સંપૂર્ણ ટર્મિનલ એકસાથે બંધ કરવા સામે વિરોધ દર્શાવીને તબક્કાવાર રીડેવલપમેન્ટ કરવાની માગણી કરી છે. હાલનું ૧.૫ કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવતું T1 માર્ચ ૨૦૨૮ સુધીમાં તોડી પાડવાનું આયોજન છે, જ્યારે નવું ટર્મિનલ ડિસેમ્બર ૨૦૩૦ સુધીમાં તૈયાર થવાની ધારણા છે. દરમ્યાન મુસાફરોને અગવડ ન પડે એટલે આખું ટર્મિનલ એકસાથે બંધ કરવાને બદલે તબક્કાવાર તોડીને નવું બનાવવાનો વિકલ્પ મુખ્ય પ્રધાને રજૂ કર્યો છે.