20 September, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી પતિ-પત્ની પાસેથી જપ્ત કરવામાં આવેલી સોનાની લગડી અને કૅપ્સ્યુલ
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની મુંબઈ ટીમે મુંબઈ સેન્ટ્રલમાં કાર્યવાહી કરીને મંગળવારે સાંજે ૩૯ વર્ષની પાયલ જૈન અને તેના ૪૩ વર્ષના પતિ રાજેશકુમાર જૈન પાસેથી ૧૭ કરોડ રૂપિયાની કિંમતનું ૨૩ કિલો સોનું જપ્ત કર્યું હતું. સોનાની લગડી અને કૅપ્સ્યુલ ગિરગામની ફણસવાડીથી મુંબઈ સેન્ટ્રલ લઈ જવામાં આવી રહી હોવાની માહિતી DRIને મળી હતી. ૨૩ કિલો સોના સાથે મુંબઈ સેન્ટ્રલમાં રહેતાં આરોપી પતિ-પત્ની ભુલેશ્વરમાં રહેતી ફરાર આરોપી પંખુડીદેવી અને તેના સાથી રમેશને પહોંચાડવા માટે નીકળ્યાં હતાં ત્યારે તેમની જડતી લેવામાં આવી હતી. આરોપી પતિ-પત્ની પાસેથી કોઈ પણ પ્રકારના બિલ વગરનું ૨૩ કિલો સોનું મળી આવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. DRIના અધિકારીએ કહ્યું હતું કે પ્રાથમિક માહિતીમાં જણાઈ આવ્યું છે કે જપ્ત કરવામાં આવેલું સોનું દાણચોરીથી ભારતમાં લાવવામાં આવ્યું હતું. પલાયન થઈ ગયેલી પંખુડીદેવી અને રમેશ નામનો તેનો સાથી હાથ લાગ્યા બાદ વધુ માહિતી મળી શકશે.