11 April, 2024 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ૬ લોકસભા બેઠકો માટે ૨૦ મેએ મતદાન થવાનું છે ત્યારે ૨૦૧૪ અને ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીની આંકડાવારી પર નજર કરતાં જણાય છે કે ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં મોદીવેવ 2.0માં કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની યુતિને વધારે મત મળ્યા હતા. જોકે બેઉ સમયે તમામ ૬ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP)-શિવસેનાના ઉમેદવારો જીતી ગયા હતા. મુંબઈમાં પાંચ વિધાનસભા મતવિસ્તારો એવા હતા જ્યાં કૉન્ગ્રેસ-NCP યુતિને ૨૦૧૪ કરતાં ૨૦૧૯માં ચાર ટકા મત વધારે મળ્યા હતા.
સાઉથ મુંબઈ
૨૦૧૪માં શિવસેનાના અરવિંદ સાવંતને ૩,૭૪,૬૦૯ અને કૉન્ગ્રેસના મિલિંદ દેવરાને ૨,૪૬,૦૪૫ મત મળ્યા હતા. આમ મિલિંદ દેવરાનો ૧.૩૦ લાખ મતના માર્જિનથી પરાજય થયો હતો, પણ ૨૦૧૯માં અરવિંદ સાવંતને ૪,૨૦,૫૩૦ અને મિલિંદ દેવરાને ૩,૨૧,૩૬૨ મત મળ્યા હતા. આના કારણે પરાજયનું માર્જિન આશરે એક લાખની આસપાસ રહ્યું હતું.
સાઉથ સેન્ટ્રલ મુંબઈ
૨૦૧૪માં શિવસેનાના રાહુલ શેવાળેને ૩,૮૧,૦૦૮ અને કૉન્ગ્રેસના એકનાથ ગાયકવાડને ૨,૪૨,૮૨૮ મત મળ્યા હતા. ૨૦૧૯માં શેવાળેને ૪,૨૪,૯૧૩ અને ગાયકવાડને ૨,૭૨,૭૭૪ મત મળ્યા હતા.
ઉત્તર મુંબઈ
૨૦૧૪ અને ૨૦૧૯માં BJPના ગોપાલ શેટ્ટીને અનુક્રમે ૬,૬૪,૦૦૪ અને ૭,૦૬,૬૭૮ મત મળ્યા હતા. જોકે કૉન્ગ્રેસના સંજય નિરુપમને ૨૦૧૪માં ૨,૧૭,૪૨૨ મત મળ્યા હતા, પણ ૨૦૧૯માં ઊર્મિલા માતોન્ડકરને નિરુપમથી વધારે ૨,૪૧,૪૩૧ મત મળ્યા હતા.
નૉર્થ સેન્ટ્રલ મુંબઈ
૨૦૧૪ અને ૨૦૧૯માં BJPનાં પૂનમ મહાજનને અનુક્રમે ૪,૭૮,૫૩૫ અને ૪,૮૬,૬૭૨ મત મળ્યા હતા. જોકે કૉન્ગ્રેસનાં પ્રિયા દત્તને ૨૦૧૪માં ૨,૯૧,૭૬૪ મત અને ૨૦૧૯માં ૩,૫૬,૬૬૭ મત મળ્યા હતા. આ બેઠક પર પ્રિયા દત્ત ૨૦૧૪માં ૧.૯૦ લાખ મતથી પરાજિત થયાં હતાં, પણ ૨૦૧૯માં આ માર્જિન ૧.૩૦ લાખ થયું હતું.
નૉર્થ વેસ્ટ
૨૦૧૪માં BJPના કિરીટ સોમૈયાને ૫,૨૫,૨૮૫ મત અને ૨૦૧૯માં BJPના મનોજ કોટકને ૫,૧૪,૫૯૯ મત મળ્યા હતા. બીજી તરફ NCPના સંજય પાટીલને ૨૦૧૪માં ૨,૦૮,૧૬૩ અને ૨૦૧૯માં ૨,૮૮,૧૧૩ મત મળ્યા હતા.
નૉર્થ વેસ્ટ મુંબઈ
૨૦૧૪ અને ૨૦૧૯માં શિવસેનાના ગજાનન કીર્તિકરને અનુક્રમે ૪,૬૪,૮૨૦ અને ૫,૭૦,૦૬૩ મત મળ્યા હતા. જોકે કૉન્ગ્રેસના ગુરુદાસ કામતને ૨૦૧૪માં ૨,૮૧,૭૯૨ અને ૨૦૧૯માં કૉન્ગ્રેસના સંજય નિરુપમને ૩,૦૯,૭૩૫ મત મળ્યા હતા.