ધારાવીના લોકોને કુર્લા ડેરીની જગ્યામાં ઘર આપવાના વિરોધમાં આક્રમક પ્રદર્શન

24 January, 2025 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધારાવીના રીડેવલપમેન્ટ માટે ત્યાંના લોકોનું મુલુંડ, કુર્લા, ભાંડુપ, માટુંગા, દેવનાર અને મલાડ જેવી જગ્યાએ પુનર્વસન કરવાની યોજના હોવાથી મોટા ભાગની જગ્યાએથી એનો વિરોધ થઈ રહ્યો છે

ગઈ કાલે કુર્લા-ઈસ્ટમાં પ્રદર્શન કરતા લોકો અને કૉન્ગ્રેસનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડ. (તસવીરો : સૈયદ સમીર અબેદી)

ધારાવીના રીડેવલપમેન્ટ માટે ત્યાંના લોકોનું મુલુંડ, કુર્લા, ભાંડુપ, માટુંગા, દેવનાર અને મલાડ જેવી જગ્યાએ પુનર્વસન કરવાની યોજના હોવાથી મોટા ભાગની જગ્યાએથી એનો વિરોધ થઈ રહ્યો છે એવામાં ગઈ કાલે કુર્લા-ઈસ્ટના નેહરુનગરમાં આવેલી કુર્લા ડેરી (મધર ડેરી)ની ૨૧ એકર જમીન પર ધારાવીના લોકોનું પુનર્વસન કરવાના વિરોધમાં કૉન્ગ્રેસનાં સંસદસભ્ય વર્ષા ગાયકવાડ પહોંચી ગયાં હતાં. તેમણે અને સ્થાનિક રહેવાસીઓએ સરકારને આ નિર્ણય પાછો ખેંચવા કહ્યું હતું. વિરોધ-પ્રદર્શન વખતે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ચકમક પણ ઝરી હતી અને ધક્કામુક્કી પણ થઈ હતી જેમાં વર્ષા ગાયકવાડને પગમાં ઈજા થતાં તેમણે સારવાર લેવા હૉસ્પિટલ જવું પડ્યું હતું.  આ પ્રદર્શનને લીધે ગઈ કાલે સવારના સમયે ટ્રાફિક જૅમ પણ થઈ ગયો હતો.

કુર્લા ડેરી  જે પાછળથી મધર ડેરીએ ચલાવવા લીધી હતી એ પણ હવે વર્ષોથી બંધ થઈ ગઈ છે અને એની જગ્યા પર ધારાવીના વિસ્થાપિતો માટે મકાનો બનાવવાનો પ્રસ્તાવ છે. મૂળમાં એ જગ્યાએ સેંકડોની સંખ્યામાં વિવિધ પ્રકારનાં ઝાડ વાવવામાં આવ્યાં છે અને એથી એ જગ્યાએ બૉટનિકલ ગાર્ડન બનાવવાનો પણ પ્રસ્તાવ હતો.

dharavi congress varsha gaikwad kurla mumbai traffic mumbai police news mumbai mumbai news