30 November, 2024 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપણું કરતાં યુવકો
હજી મંગળવારે જ છેલ્લા એક દાયકામાં નવેમ્બર મહિનામાં બીજી સૌથી ઠંડી સવારનો મુંબઈગરાએ અનુભવ કર્યા બાદ ગઈ કાલે તાપમાનમાં એનાથી પણ વધારે ઘટાડો નોંધાયો હતો. ટૂંકમાં કહીએ તો શુક્રવારનો દિવસ મુંબઈ માટે છેલ્લાં આઠ વર્ષનો નવેમ્બરનો સૌથી ઠંડો દિવસ હતો.
મંગળવારના ૧૬.૮ ડિગ્રી તાપમાનની સામે ગઈ કાલે સવારે સાંતાક્રુઝમાં ૧૬.૫ ડિગ્રી નોંધાયું હતું. આ પહેલાં ૧૧ નવેમ્બર ૨૦૧૬માં ૧૬.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે સાંતાક્રુઝમાં મિનિમમ તાપમાન ૧૮.૭ ડિગ્રી નોંધાયું હતું અને એક જ દિવસમાં એમાં ૨.૨ ડિગ્રીનો ફરક જોવા મળ્યો હતો.
ગઈ કાલે રાજ્યમાં સૌથી ઓછું ૬ ડિગ્રી તાપમાન સોલાપુર જિલ્લાના જેઉરમાં નોંધાયું હતું, જ્યારે મુંબઈગરાના માનીતા હિલ-સ્ટેશન મહાબળેશ્વરમાં ૧૦.૫ અને માથેરાનમાં ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પુણેના મોહોળમાં ૮.૯ અને નાશિકમાં ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ ફૂલગુલાબી ઠંડીનો ચમકારો હાલ લોકો માણી રહ્યા છે. જોકે આજથી તાપમાનમાં વધારો થવાની આગાહી વેધશાળાએ કરી છે. એનું કહેવું છે કે ત્રીજી ડિસેમ્બર સુધી રાજ્યના તાપમાનમાં વધારો જોવા મળશે. આ વર્ષે શિયાળા દરમ્યાન વધુ ઠંડી પડશે એવો વર્તારો વેધર બ્યુરોએ કર્યો છે.