BMW નીચે પટકાયા પછીનાં દૃશ્યો બહુ જ હૃદયદ્રાવક હતાં

22 September, 2026 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનય ગજ્જરના મૃતદેહનો એક પગ ઍક્સેલરેટર પર જ હતો

રવિવારે કોસ્ટલ પરથી ખાબકેલી BMW

રવિવારે પરોઢિયે ૫.૨૦ વાગ્યે કોસ્ટલ રોડના બ્રિજ પરથી ૭૫ ફુટ નીચે પટકાયેલી શનય ગજ્જરની BMW કાર હવામાં જ બે ગુંલાટ ખાઈને નીચે પટકાઈ હતી. એમાં તેના સહિત તેના બે મિત્રો આદિત્ય જકસાણિયા અને ધૈર્ય શેઠનાં મોત થયાં હતાં અને એક ફ્રેન્ડ આદિત્ય ઓસવાલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એ અકસ્માત થયાની કેટલીક જ મિનિટોમાં ત્યાં પહોંચી ગયેલા લોકોનું કહેવું હતું કે કારનો એ હદે કચ્ચરઘાણ થઈ ગયો હતો કે એમાંથી કોઈ બચી એવી શક્યતા જ નહોતી, વળી ત્યાંનું દૃશ્ય પણ અરેરાટી જગાવતું હતું.

એ સ્થળે પહોંચેલા એક રાહદારીએ કહ્યું હતું કે ‘કાર ડ્રાઇવ કરી રહેલા ડ્રાઇવર (શનય)નો મૃતદેહ અડધો કારની અંદર હતો અને અડધો બારીની બહાર લટકતો હતો. એ વખતે પણ તેનો પગ ઍક્સેલરેટર પર હતો. તેને એ પગ કાઢવાનો મોકો પણ નહોતો મળી શક્યો.’

પાછળની સીટમાં બેઠેલા બે યુવાનો ધૈર્ય શેઠ અને આદિત્ય જકસાણિયામાંથી એક સનરૂફના ગૅપમાંથી ઊછળીને બહાર પટકાયો હતો. એ મૃતદેહ કારના કાટમાળથી ૮-૧૦ ફુટ દૂર પટકાયેલો મળી આવ્યો હતો. બીજો યુવાન આગળની અને પાછળની સીટ વચ્ચે બહુ જ ખરાબ રીતે ચગદાઈને મૃત્યુ પામ્યો હતો.

શનયની બાજુમાં બેઠેલો યુવાન (આદિત્ય ઓસવાલ) ગંભીર રીતે ઘવાયો છે. તેના જમણા પગ અને જમણા હાથમાં ઈજા થવા ઉપરાંત નાક અને જડબાંમાં પણ ગંભીર ઈજા થઈ હતી. એમાંથી લોહી વહી રહ્યું હતું અને ત્યાંનાં હાડકાંને પણ માર લાગ્યો હતો. તેનો આખો ચહેરો સૂજી ગયો હતો અને તેના હાથ સતત કાંપી રહ્યા હતા. આ અકસ્માત ખરેખર કાળજું કંપાવી દે એવો હતો. 

તાડદેવ પોલીસે ગુનો નોંધ્યો 

કોસ્ટલ રોડના આ ઍક્સિડન્ટ બાબતે તાડદેવ પોલીસે કારમાં પ્રવાસ કરી રહેલા યુવાનો સામે જ ગુનો નોંધ્યો હતો. ​મોટર વ્હીકલ ઍક્ટ ઉપરાંત બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અન્યનો જીવ લેવો, સદોષ મનુષ્યવધ પરંતુ હત્યાનો ઇરાદો નહીં અને અન્ય કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો.  

mumbai news mumbai Mumbai Coastal Road tardeo road accident