CNG Price Hike: દાઝ્યા પર ડામ! મુંબઈમાં CNGના રેટ્સ વધ્યા- ઓટોના ભાડામાં થશે વધારો?

14 May, 2026 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

CNG Price Hike: મોંઘવારીના ડામ પર ડામ સામાન્ય લોકોને સહન કરવા પડી રહ્યા છે. એક તરફ દૂધની કિંમતમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ હવે સીએનજીની કિંમતમાં પણ વધારો નોંધાયો છે.

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધને લીધે ઉર્જા સંકટનો માર સામાન્ય લોકોને વેઠવો પડી રહ્યો છે. મોંઘવારીના ડામ પર ડામ સામાન્ય લોકોને સહન કરવા પડી રહ્યા છે. એક તરફ દૂધની કિંમતમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ હવે સીએનજીની કિંમતમાં પણ વધારો (CNG Price Hike) કરાયો છે.

ઓટોનું ભાડું વધે તેવી ધારણા

મુંબઈમાં આજથી એટલે કે 14 મેથી સીએનજીના ભાવમાં વધારો (CNG Price Hike) કરવામાં આવેલ છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં આજથી સીએનજીની નવી કિંમતો લાગુ કરવામાં આવી છે, જેના કારણે સામાન્ય લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. સીએનજીમાં ભાવ વધારા થવાથી તેની સીધી અસર ઓટોરિક્ષાના ભાડા પર પડશે. હવે ઓટોનું ભાડું હજી વધશે તેવી ધારણા છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં (એમએમઆર)માં ઓટો યુનિયનોએ ભાડામાં વધારો કરવાની માંગ કરી છે. 

સીએનજીનો નવો રેટ હવે આટલો

મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ)એ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કર્યો છે. નવા દર લાગુ થયા બાદ હવે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને એમએમઆરના અન્ય વિસ્તારોમાં સીએનજી હવે 84 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. અગાઉ સીએનજીની કિંમત 82 રૂપિયા પ્રતિ કિલો હતી, પરંતુ સતત વધી રહેલા ખર્ચ અને બજારની સ્થિતિને કારણે કિંમતોમાં વધારો કરવામાં (CNG Price Hike) આવ્યો છે.

સીએનજીનો ભાવ વધવાને કારણે એની સીધી અસર જાહેર પરિવહન સેવાઓ પર થવાની છે. કારણ કે મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં  ઓટો-રિક્ષા, ટેક્સીઓ વગેરે કેટલીક જાહેર પરિવહન સર્વિસ સીએનજી પર નિર્ભર રહેલ છે. જેથી સીએનજીના ભાવમાં થયેલ વધારાની ડાયરેક્ટ અસર આ પરિવહન ખર્ચ પર પડશે. 

MGLના આંકડા પર નજર કરીએ તો હાલ મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં લગભગ 12.8 લાખ વાહનો સીએનજી (CNG Price Hike) પર ચાલી રહ્યા છે. આમાં આશરે 4.7 લાખ ઓટો-રિક્ષા, 1.6 લાખથી વધુ ટેક્સીઓ અને 5 લાખથી વધુ પ્રાઇવેટ કાર છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં સીએનજીનો વપરાશ વધ્યો છે. કારણ કે પેટ્રોલ અને ડીઝલને બદલે સીએનજીને આર્થિક રીતે અને પર્યાવરણની રીતે વધુ સારો ઓપ્શન છે. વળી છેલ્લા અમૂક વર્ષોમાં ઇંધણના ભાવમાં વારંવાર થયેલા બદલાવને કારણે રોજિંદા મુસાફરો અને પરિવહન સંચાલકોમાં ચિંતા ઉભી થતી રહી છે.

રોજ લાખો લોકો નોકરી-વ્યવસાય માટે મુસાફરી કરે છે અને જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. સામાન્ય લોકોને ઘરગથ્થુ ખર્ચ પર તો તાણ આવી જ છે, હવે જો ઓટો અને ટેક્સીનું ભાડું વધશે તો દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ થશે! ભાડામાં વધારા અંગેનો અંતિમ નિર્ણય તો પરિવહન વિભાગ અને સંબંધિત સત્તામંડળની મંજૂરી પછી જ લેવામાં આવશે. CNG નવા રેટ્સના અમલીકરણ સાથે મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં પરિવહન ખર્ચ અંગે શું નિર્ણય લેવાય છે એના પર સૌની નજર છે.

mumbai news mumbai petroleum petrol diesel price mumbai transport maharashtra government maharashtra news maharashtra mumbai metropolitan region mmr