CISFના જવાનોની ખારઘરના ડૉક્ટર સાથે દાદાગીરી

03 December, 2024 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં તો બેફામ બસ ચલાવી અને પછી ડૉક્ટરની કારનો કાચ તોડીને ડૉક્ટરને માર્યો, તેના પરિવારની મહિલાઓ સાથે પણ ધક્કામુક્કી કરી

ડૉ. શ્રીનાથ પરબની કારનો તૂટેલો કાચ, ડૉ. શ્રીનાથ પરબને મારી રહેલા CISFના જવાનો.

ખારઘરના સેક્ટર ૧૫માં રહેતા ૨૮ વર્ષના ડૉક્ટર શ્રીનાથ પરબ સહિત તેના પરિવારના સભ્યોને જાહેરમાં થયેલી મારઝૂડ મામલે ખારઘર પોલીસે શનિવારે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના જવાનો સામે ફરિયાદ નોંધ કરી છે. CISFના એક ડ્રાઇવરે બેફામ બસ ચલાવી શ્રીનાથની કારને ઓવરટેક કરી હતી, જેમાં શ્રીનાથ સાથે રહેલી ૧૧ મહિનાની બાળકીને ઈજા થઈ હતી. કેમ આવી રીતે બસ ચલાવો છો એમ પૂછતાં રોષે ભરાયેલા આશરે CISFના ૧૫થી ૨૦ જવાનોએ મળીને શ્રીનાથ સહિત તેના પરિવારની મારઝૂડ કરી હોવાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો. પોલીસે CISFના જવાનને નોટિસ મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

જો લોકો બચાવવા ન આવ્યા હોત તો રક્ષા કરનાર CISFના જવાનોએ ભક્ષક બનીને મારી હત્યા કરી નાખી હોત એમ જણાવતાં ડૉ. શ્રીનાથ પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે હું અને મારો પરિવાર હોટેલમાંથી જમીને પાછો આવી રહ્યા હતા ત્યારે ખારઘરના સેક્ટર ૧૨ નજીક મારી કારને પૂરપાટ વેગે પાછળથી આવતી CISFની એક બસે ઓવરટેક કરી હતી જેમાં મારી કારનો અકસ્માત થતાં રહી ગયો હતો, પણ મારી સાથે રહેલી ૧૧ મહિનાની બાળકીનું માથું સીટ સાથે અથડાયું હતું એટલે મેં બસના ડ્રાઇવરને વ્યવ​સ્થિત બસ ચલાવવાનું કહ્યું હતું. અેની સામે ડ્રાઇવરે પોતાની ભૂલ હોવા છતાં મને અપશબ્દો કહ્યા હતા એટલે મેં કાર ઊભી રાખી દીધી હતી. ત્યારે CISFના જવાનો નીચે ઊતરી મારી સાથે દાદાગીરી કરવા લાગ્યા હતા. થોડી વારમાં વધુ એક બસ આવી હતી, જેમાંથી ઊતરેલા CISFના જવાનોએ અપશબ્દો બોલી મારી મારઝૂડ કરી હતી. મારા પરિવારની મહિલાઓ સાથે પણ ધક્કામુક્કી કરી હતી. તેમને અટકાવવા જતાં આશરે વીસ જવાનોએ મળીને મને માર્યો હતો. જોકે ભેગા થયેલા લોકોએ મને છોડાવ્યો હતો, તેમણે મારી કારનો કાચ પણ તોડી નાખ્યો હતો. ઘટના બાદ મેં
પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ અને CISFના સિનિયર અધિકારીઓને મારી એક જ અપીલ છે કે મને ન્યાય અપાવે.’

CISFના જવાનોને નોટિસ મોકલી હાજર થવા માટે કહેવામાં આવ્યું છે એમ જણાવતાં ખારઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દીપક સુર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની નોંધ કરીને અમે વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત વધુ આરોપીની ઓળખ કરવા માટે અમે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છે.’

kharghar mumbai central industrial security force viral videos news mumbai news