02 October, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ દ્વારા મુસાફરોની સુવિધા અને નેટવર્કને સુવ્યવસ્થિત કરવાના હેતુથી પાંચમી ઑક્ટોબરથી મુંબઈના ૧૪ બસરૂટમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર અંતર્ગત ૮ સામાન્ય બસરૂટને AC સર્વિસમાં ફેરવવામાં આવશે, જ્યારે નબળા પ્રતિસાદને કારણે ઘાટકોપર અને બોરીવલી-ઈસ્ટ વચ્ચે દોડતી A-471 નંબરની બસ કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ ફેરફારો ઘાટકોપર, અંધેરી, બોરીવલી અને સાયન જેવાં મુખ્ય ઉપનગરોને આવરી લે છે. મજાસ ડેપોથી ઊપડતી ૩ સર્વિસ A-22, A-35 અને A-39 હવે ડેપોને બદલે SEEPZ સુધી દોડશે. બીજી તરફ રૂટ-નંબર A-30ને રમાબાઈનગરથી લંબાવીને ઘાટકોપર અને વિક્રોલી ડેપો સુધી લઈ જવામાં આવશે, જ્યારે A-419 અને A-427 ઘાટકોપર ડેપોથી સંઘર્ષનગર અને ફિલ્ટરપાડા તરફ ઑપરેટ થશે.
આ ઉપરાંત અંધેરી સ્ટેશન સુધી જતી A-433 નંબરની બસને જુહુ-વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ (JVPD) બસ-સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે. પીક અવર્સ દરમ્યાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને A-42, A-245 અને A-276 રૂટ પર વધારાની ફેરીઓ શરૂ કરવામાં આવશે.
મુસાફરોને આરામદાયક પ્રવાસ પૂરો પાડવા માટે BEST ૮ રેગ્યુલર રૂટ પર હવે AC બસ-સર્વિસ દોડાવશે. એમાં ૧૫૩, ૨૨૩, ૨૪૨, ૨૪૯, ૨૬૬, ૩૧૨, ૪૨૩ અને C-505 રૂટનો સમાવેશ થાય છે.