31 January, 2021 10:40 AM IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પ્રવાસ કરતી વખતે શુક્રવારે રાતે ટ્રાફિક જૅમમાં ફસાયેલી એક કારના કાચ નીચે કરી એમાંથી ગનવાળા હાથ બહાર કાઢીને બે જણે ટ્રક-ડ્રાઇવરને તેની ટ્રક રોકીને ‘રુક જા, નહીં તો ઉડા દેંગે’ કહીને સાઇડ આપવાનું કહેતો વિડિયો ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેદાહ-ઉલ-મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના ઔરંગાબાદના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે ગઈ કાલે વાઇરલ કર્યો હતો. આ સંદર્ભે ખોપોલી પોલીસે કારમાં પ્રવાસ કરી રહેલા ચારમાંથી બે જણની ધરપકડ કરી છે.
આ કારની પાછળ શિવસેનાના વાઘનો લોગો હોવાથી ઇમ્તિયાઝ જલીલે વિડિયો વાઇરલ કરીને ટ્વિટર પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખને પણ સાથે ટૅગ કર્યા હતા અને સવાલ કર્યો હતો કે શું સીએમ અને ગૃહપ્રધાન આ ગેરકાયદે ઘટના બાબતે કોઈ પગલાં લેશે?
ખોપોલી પોલીસ-સ્ટેશનના સિનિયર પીઆઇ ધનાજી ક્ષીરસાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે વિડિયોમાં દેખાતી કારના નંબરના આધારે એ કાર મુંબઈના નીતેશ પટેલના નામે રજિસ્ટર કરાયેલી હોવાનું અમને જાણવા મળ્યું છે. વધુમાં એટલી માહિતી મળી છે કે ઘટના વખતે નીતેશ પટેલનો દીકરો તેના મિત્ર સાથે એ કારમાં હતો. અત્યારે અમે જે બે જણ બંદૂક બતાવી રહ્યા હતા તેમની ધરપકડ કરી છે. ૪૮ વર્ષના વિજય પ્રકાશ સીતારામ મિશ્રા પાસે લાઇસન્સ રિવૉલ્વર છે જે અમે જપ્ત કરી છે, જ્યારે બીજા આરોપી ૩૩ વર્ષના વિકાસ ગજાનન કાંબળેએ જે રિવૉલ્વર ટ્રક-ડ્રાઇવર સામે તાકી હતી એ હકીકતમાં લાઇટર છે. આ કેસની વધારે તપાસ ચાલી રહી છે.’
આ મામલાએ રાજકીય રંગ લેતાં શિવસેનાના પ્રવક્તા અરવિંદ સાવંતે આ સંદર્ભે કહ્યું હતું કે પોલીસ કેસની તપાસ કરી રહી છે. કોઈ પણ કાયદાથી પર નથી.