21 January, 2025 02:32 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
પુણેનાં મુક્તા કોંડિબા બામણે અને તેના નાના ભાઈ દત્તાત્રેયે કેરલા જઈને આત્મહત્યા કરી.
પુણેમાં રહેતાં ભાઈ-બહેને આર્થિક ભીડથી તંગ આવીને કેરલાના થિરુવનંતપુરમમાં આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. તેમના મૃતદેહ પોલીસને હોટેલની બંધ રૂમમાંથી મળી આવ્યા હતા. તેમની પાસેથી મળી આવેલી સુસાઇડ-નોટમાં તેમણે લખ્યું હતું કે નોકરી અને ઘર ન હોવાથી તેમણે આત્મહત્યા કરી હતી.
પુણેના શિકારપુરમાં રહેતા ૪૫ વર્ષના દત્તાત્રેય કોંડિબા બામણે અને ૪૨ વર્ષની મુક્તા કોંડિબા બામણેના આત્મહત્યાના કેસની વિગતો આપતાં કેરલા પોલીસે જણાવ્યું હતું કે ‘તેમણે શુક્રવારે સાંજે થમ્પનુરની હોટેલમાં ચેક-ઇન કર્યું હતું. ચેક-ઇન કરતી વખતે તેમણે પતિ-પત્ની હોવાનું કહ્યું હતું. તેઓ પદ્મનાભસ્વામી મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા આવ્યાં હોવાનું તેમણે કહ્યું હતું. શનિવાર આખો દિવસ તેઓ બહાર રહ્યાં હતાં અને સાંજે પાછાં ફર્યાં હતાં. તેમણે હોટેલમાં જ ડિનર ઑર્ડર કર્યું હતું અને ત્યાર બાદ રૂમ-બૉયને કહ્યું હતું કે રવિવારે સવારે આઠ વાગ્યે બ્રેકફાસ્ટ લઈને આવજે. રવિવારે સવારે બહુ પ્રયાસો કરવા છતાં જ્યારે તેમણે રૂમનો દરવાજો ન ખોલ્યો ત્યારે હોટેલ મૅનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી. અમારા સ્ટાફે જ્યારે દરવાજો ખોલ્યો તો મહિલા પલંગ પર મૃત્યુ પામેલી મળી આવી હતી, જ્યારે પુરુષ સીલિંગ ફૅન સાથે દોરી વડે લટકેલો પણ બેસેલી અવસ્થામાં મળી આવ્યો હતો. તેના ગળાની આસપાસ પ્લાસ્ટિક લગાડેલું હતું. અમે આત્મહત્યાનો કેસ નોંધી આ બાબતે વધુ તપાસ કરી હતી. તેમની પાસેથી મળી આવેલી સુસાઇડ-નોટમાં તેમણે લખ્યું છે કે તેમનાં મૃત્યુ બદલ કોઈને પણ જવાબદાર ગણવા નહીં. તેમની પાસે નોકરી પણ નહોતી અને ઘર પણ નહોતું એથી તેઓ ભારે આર્થિક ભીડનો સામનો કરી રહ્યાં હતાં. હાલ તેમના મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયા છે, એ પછી તેમના સંબંધીઓને સોંપવામાં આવશે.’