24 November, 2024 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કાલિદાસ કોળંબકરે વિજયસરઘસ કાઢ્યું હતું.
મુંબઈની વડાલા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કાલિદાસ કોળંબકરે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નાં શ્રદ્ધા જાધવને ૨૪,૯૭૩ મતના માર્જિનથી હરાવીને મોટો વિજય મેળવ્યો છે. ૭૦ વર્ષના કાલિદાસ કોળંબકર વડાલાની બેઠકમાં સતત નવમી વખત ચૂંટાઈ આવ્યા છે. BJPના વરિષ્ઠ નેતા નારાયણ રાણેના નજીકના આ નેતાનો સમાવેશ વિધાનસભાની એક પણ ચૂંટણી ન હારનારામાં થાય છે. કાલિદાસ કોળંબકર બે વખત BJP, બે વખત કૉન્ગ્રેસ અને પાંચ વખત શિવસેનામાંથી ચૂંટાયા છે. જોકે સૌથી વધુ ૧૧ વખત ચૂંટાઈ આવવાનો રેકૉર્ડ મહારાષ્ટ્રના પીઝન્ટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટીના ગણપતરાવ દેશમુખનો છે. ૧૯૬૨માં પહેલી વખત તેઓ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૪ સુધી ચૂંટાઈને આવ્યા છે. તેમણે કુલ ૧૩ ચૂંટણી લડી હતી જેમાં ૧૯૭૨ અને ૧૯૯૫માં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતભરની વાત કરીએ તો સૌથી વધુ ૧૩ વખત ચૂંટાવાનો રેકૉર્ડ તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિના નામે છે.
41,827
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નાં શ્રદ્ધા જાધવને આટલા મત મળ્યા
66,800
BJPના કાલિદાસ કોળંબકરને કુલ આટલા મત મળ્યા
24,973
આટલા માર્જિનથી કાલિદાસ કોળંબકર વિજયી થયા