18 December, 2022 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીજેપીનો ઠેર ઠેર માફી માગો મોરચો
મુંબઈ : મહાવિકાસ આઘાડીના મોરચા સામે બીજેપી દ્વારા ગઈ કાલે મુંબઈમાં બિલાવલ ભુટ્ટોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી વિવાદસ્પદ ટિપ્પણી બદલ અને શિવસેનાના સંજય રાઉત અને સુષમા અંધારે દ્વારા સંતોનું અને હિન્દુ-દેવી દેવતાઓનું અપમાન કરતાં નિવેદનોના વિરોધમાં માફી માગો મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં વારકરી સંપ્રદાયના મુરબ્બીઓ હાજર રહ્યા હતા. આંદોલનકર્તાઓ દ્વારા ઉદ્ધવ ઠાકરેનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો અને છત્રપતિ શિવાજીનો જયજયકાર કરાયો હતો. માત્ર મુંબઈમાં જ નહીં પણ બીજેપીના કાર્યકરોએ ગઈ કાલે દેશભરમાં જુદી-જુદી જગ્યાઓએ વિરોધ-પ્રદર્શન કરીને તેની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર બીજેપીના કાર્યકરો અને નેતાઓએ પાકિસ્તાન અન એના વિદેશપ્રધાનનો ઉગ્ર વિરોધ કરી દેખાવો યોજ્યા હતા. મુંબઈમાં આવેલા ભાજપ પ્રદેશ કાર્યાલય પર બીજેપીના નેતાઓ મંગલ પ્રભાત લોઢા, પ્રવીણ દરેકર અને રાજ પુરોહિત સાથે કાર્યકરો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને વધુ આગળ જતા રોક્યા હતા. બીજેપીના નેતાઓએ દેવી-દેવતાઓના અપમાન બદલ સંજય રાઉત અને સુષમા અંધારે સહિત ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, નાના પટોલે માફી માગે એવી માગ કરી હતી. એની સાથે પાકિસ્તાનનો પણ જોરદાર વિરોધ કરાયો હતો. મુંબઈ સહિત પુણે, ઔરંગાબાદ અને અન્ય શહેરોમાં બીજેપી દ્વારા માફી માગો આંદોલન કરાયું હતું.યુનાઇટેડ નેશન્સની એક પ્રેસ-કૉન્ફરન્સમાં પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી ટિપ્પણીનો ગઈ કાલે બીજેપી દ્વારા જોરદાર વિરોધ કરાયો હતો.
બિલાવલનું માથું લાવો, બે કરોડ લઈ જાઓ
પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોની વિરુદ્ધ સમગ્ર દેશમાં બીજેપીના કાર્યકરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું. જોકે ઉત્તર પ્રદેશમાં બીજેપીના એક લોકલ લીડરે તો ગઈ કાલે જાહેર કરી દીધું હતું કે બિલાવલનું માથું કાપનારને તે બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે. બાગપતમાં વિરોધપ્રદર્શન દરમ્યાન કાર્યકરોને સંબોધતી વખતે બાગપતની જિલ્લા પંચાયતના સભ્ય મનુપાલ બંસલે આ જાહેરાત કરી હતી.