02 September, 2026 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભુલેશ્વરચા રાજા અને એ વિસ્તાર જ્યાં સર્જાઇ હતી કરુણાંતિકા (ફાઇલ તસવીરો)
એક તરફ મુંબઈમાં ઠેરઠેર ધૂમધામથી ગણપતિબાપ્પાનું આગમન થઈ રહ્યું હતું તેવે સમયે એક એવી ઘટના બને છે જેણે તમામ ગણેશભક્તોને કંપાવી નાખ્યા. મુંબઈના જાણીતા ‘ભૂલેશ્વરચા રાજા’ની (Bhuleshwar Cha Raja) મૂર્તિ આગમનયાત્રા વખતે જ તૂટી પડતાં અને બે લોકોના જીવ જતાં રહેવાથી મંડળમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ તો આ વર્ષે મંડળ બાપ્પાની ૨૨ ફૂટ ઊંચી મૂર્તિનું સ્થાપન કરવા ઉત્સાહિત હતી પણ અચાનક બનેલી કરુણાંતિકા બાદ મંડળે આ વર્ષે ગણેશોત્સવની ઉજવણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ષે આ મંડળ ૨૨ ફૂટ ઊંચી બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવાને બદલે નાના કદની મૂર્તિનું જ સ્થાપન કરીને ગણેશોત્સવ ઊજવશે. સામાન્ય રીતે પૂજા માટે નાની સાઇઝની મૂર્તિનું સ્થાપના કરવામાં આવે છે તે જ મૂર્તિ આ વર્ષે મંડપમાં સ્થાપિત કરાશે.
૨૨ ફૂટ ઊંચી મૂર્તિને (Bhuleshwar Cha Raja) બદલે હવે જ્યારે મંડળે નાનકડા કદની પૂજા મૂર્તિથી જ ઉત્સવ ઊજવવાનો નિર્ણય કર્યો છે તો તેની પાછળ છે ૨૨ ઑગસ્ટની કરુણાંતિકા. આ એ જ દિવસ છે જ્યારે ‘ભૂલેશ્વરચા રાજા’ની ૨૨ ફૂટ ઊંચી ગણેશમૂર્તિનું ભાયખલાથી ભૂલેશ્વર આવી રહી હતી. વાજતે-ગાજતે આવી રહેલી મૂર્તિ મંડપથી માત્ર પચાસ-સાઇઠ મીટરના અંતરે હતી ત્યાં જ અચાનક મૂર્તિનું બેલેન્સ ગબડી પડવાથી મૂર્તિ પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં મંડળના પ્રમુખ સંકેત નેવશે અને પદાધિકારી બ્રિજેશ હેમંત જોશી બંનેનો જીવ ગયો હતો. તેમ જ ૫ અને ૭ વર્ષની બે છોકરીઓ સહિત કુલ પાંચ લોકોને ઇન્જરી થઈ હતી. આ આખી બીના અંગે પોલીસ તપાસ દરમિયાન મૂર્તિકાર અનિકેત દેસાઈનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે વર્કશોપમાંથી મૂર્તિ બહાર આવી અને માંડ ૧૫૦ મીટર વટાવ્યું ત્યાં જ મૂર્તિ (Bhuleshwar Cha Raja)ના પાછળના ભાગનું વેલ્ડિંગ છૂટું પડી ગયું હતું. ત્યારબાદ મૂર્તિને આગળ લઈ જવાને બદલે તરત ફરી પાછી વર્કશોપમાં લાવીને ઉતાવળે વેલ્ડિંગનું કામ રિપેર કરવામાં આવ્યું હતું અને મૂર્તિને મંડપ તરફ લઈ જવામાં આવી રહી હતી. પણ મંડપ સુધી પહોંચે એ પહેલાં જ સાંધેલું વેલ્ડિંગ ફરીથી છૂટું પડી જતાં મૂર્તિનું બેલેન્સ ગબડ્યું હતું અને કરુણાંતિકા સર્જાઇ હતી.
આમ તો અખિલ ભૂલેશ્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળ માટે ગણેશોત્સવની ઉજવણીનું (Bhuleshwar Cha Raja) આ ૬૩મું વર્ષ છે. મોટે ભાગે મંડળ ૨૦થી ૨૩ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરતું આવ્યું છે. પરંતુ આ વર્ષે સર્જાયેલી કરુણાંતિકામાં પોતાના જ મંડળના બે સભ્યોના અકાળે અવસાન થવાથી શોકમાં મંડળે બેઠક યોજીને નિર્ણય લીધો છે કે આ વર્ષે ફરી પાછી મોટી સાઇઝની મૂર્તિ લાવવામાં નહીં આવે અને ૧૧ દિવસ સુધી માત્ર નાના કદની અર્થાત કે સામાન્ય રીતે પૂજા માટે વપરાતી મૂર્તિની જ પ્રતિષ્ઠા કરાશે. આગમન અને વિસર્જનમાં પણ જાહોજલાલી કરવામાં આવશે નહીં.