09 April, 2023 07:22 AM IST | Mumbai | Prakash Bambhroliya
ઇન્કમ ટૅક્સની નોટિસ જેને મળી એ આશા જૈન પતિ દેવીચંદ સાથે.
મુંબઈ ઃ મહિને માત્ર ૨૭,૦૦૦ રૂપિયાની જૉબ કરતા પતિની ભાઈંદરમાં રહેતી રાજસ્થાની જૈન ગૃહિણીને ઇન્કમ ટૅક્સ વિભાગે ૨૦ કરોડ રૂપિયાનાં બૅન્ક-ટ્રાન્ઝૅક્શન્સ કરવાના મામલામાં નોટિસ મોકલી હોવાની ચોંકાવનારી બાબત જાણવા મળી છે. પોતાના નામે એક પ્રાઇવેટ કંપની શરૂ કરીને એમાંથી બે બૅન્કના જુદા-જુદા અકાઉન્ટમાંથી આ ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં હોવાની જાણ થતાં ગૃહિણીએ આ મામલે ઇન્કમ ટૅક્સ વિભાગને નોટિસનો જવાબ આપવાની સાથે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ફરિયાદ નોંધાવી છે. આ ફ્રૉડ પોતાના ઓળખીતા છ લોકોએ કર્યું હોવાની શંકાના આધારે તેમની સામે તપાસ કરવા માટે પોલીસમાં પણ લેખિત ફરિયાદ તેણે કરી છે. ખોટા બિલ બનાવવીને બ્લૅક મનીનો ગોરખધંધા કરનારાઓનું કારનામું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી.
ભાઈંદર-વેસ્ટમાં બાકોલ સ્ટ્રીટમાં આવેલા ફેરો કૉમ્પ્લેક્સમાં રહેતી આશા દેવીચંદ જૈન નામની રાજસ્થાની ગૃહિણીને ઇન્કમ ટૅક્સ વિભાગની થાણે ઑફિસે આ વર્ષે ૨૯ માર્ચે એક નોટિસ મોકલી છે, જેમાં તેના આઇસીઆઇસીઆઇ બૅન્ક અને ડીસીબી બૅન્કના બે જુદા-જુદા અકાઉન્ટમાંથી ૨૦૧૬-’૧૭ના ફાઇનૅન્શિયલ યરમાં ૨૦,૪૭,૧૨,૭૫૨ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં હોવાનું જણાવાયું છે. પોતાના અકાઉન્ટમાં આટલી મોટી રકમનાં ટ્રાન્ઝૅક્શન્સ થયાં હોવાની જાણ થતાં આશા જૈન ચોંકી ઊઠી હતી. તેણે બૅન્કમાં જઈને તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો તેના પૅન અને આધાર કાર્ડની મદદથી કોઈકે સિદ્ધિ એન્ટરપ્રાઇઝિસ નામની પ્રોપ્રાઇટરશિપ કંપની શરૂ કરી છે અને એમાં મુંબઈ જ નહીં, ભારતનાં અનેક શહેરમાંથી જુદી-જુદી રકમનાં અસંખ્ય ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં છે.
એક અકાઉન્ટ ૨૦૧૫માં બંધ કરાયું
આશા જૈનનું આઇસીઆઇસીઆઇ બૅન્કનું એક અકાઉન્ટ તેમની જાણ વિના ૯ નવેમ્બર ૨૦૧૬માં બંધ કરી દેવામાં આવ્યું હતું. અકાઉન્ટ બંધ કરતાં પહેલાં એમાં ૨૦૧૬-’૧૭માં ૬,૩૭,૯૧,૨૬૬ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં હતાં. આ અકાઉન્ટ સાથે બીજા કોઈનો મોબાઇલ નંબર લિન્ક હોવાનું આશા જૈને બૅન્કમાં કરેલી પૂછપરછમાં જણાઈ આવ્યું છે. આ અકાઉન્ટ બંધ કરાયા બાદ ડીસીબી બૅન્કમાં આશા જૈનના નામે બીજું એક નવું અકાઉન્ટ ખોલવામાં આવ્યું છે, જેમાં ૨૦૧૬-’૧૭ દરમ્યાન ૧૪,૦૩,૯૬,૧૭૩ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં હતાં. આશા દેવીચંદ જૈને ૨૦૧૬-’૧૭ વર્ષ માટે ૧,૫૩,૯૦૦ રૂપિયાનું જ ઇન્કમ ટૅક્સનું રિટર્ન ભર્યું હતું. બે અકાઉન્ટમાં ૨૦ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ થયાં હતાં અને રિટર્ન દોઢ લાખનું ભરવામાં આવ્યું હોવાથી ઇન્કમ ટૅક્સ વિભાગે આશા જૈનને આ બાબતે ખુલાસો કરવા માટે નોટિસ મોકલી છે.
૧૬ લાખની હાઉસિંગ લોન
સિદ્ધિ એન્ટરપ્રાઇઝિસ નામની કંપનીમાં ૨૦ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ થવા વિશે આશા જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો પતિ મહિને ૨૭,૦૦૦ રૂપિયાની જૉબ કરે છે. અમે અત્યારે જે ફ્લૅટમાં રહીએ છીએ એના પર ૧૬ લાખ રૂપિયાની હાઉસિંગ લોન લીધી છે. અમારી પાસે ૨૦ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ હોય તો અમારે ફ્લૅટ ખરીદવા માટે લોન શું કામ લેવી પડે? મારા પૅન અને આધાર કાર્ડથી અજાણી વ્યક્તિએ તેના સાથીઓની મદદથી સિદ્ધિ એન્ટરપ્રાઇઝિસ નામની ફ્રૉડ કંપની બનાવી છે. એમાં ૨૦૧૬-’૧૭માં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં હતાં. એમાં મોબાઇલ નંબર ભાઈંદરમાં જ રહેતા શંકાસ્પદ વ્યક્તિનો લિન્ક હતો. ઇન્કમ ટૅક્સ વિભાગને આપેલા જવાબમાં મેં આની માહિતી આપી છે. આઇસીઆઇસીઆઇ બૅન્કનું અકાઉન્ટ બંધ કરી દેવાયા બાદ મારી જાણ વિના ડીસીબી બૅન્કમાં અકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું.’
ટ્રસ્ટમાંથી અનાજ-ફી મેળવે છે
આશા જૈનના પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ છે એટલે બે પુત્રોને ભણાવવા તેમ જ અનાજ માટે તે ટ્રસ્ટમાંથી મદદ લે છે. આ વિશે આશા જૈને કહ્યું હતું કે ‘અમે પહેલાં ૧૦ ફુટની ચાલમાં રહેતા હતા. છોકરાઓ મોટા થતાં એ વેચીને અત્યારે રહીએ છીએ એ ફ્લૅટ લોન પર લીધો છે. પતિનો પગાર લોનના હપ્તા ભરવામાં જતો રહે છે એટલે અનાજ અને છોકરાઓની સ્કૂલ-કૉલેજની ફી માટે ટ્રસ્ટોમાંથી મદદ લેવી પડે છે.’
...તો આત્મહત્યા કરવી પડશે
પોતાના નામે બોગસ અકાઉન્ટ ખોલીને એમાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં હોવાની ફરિયાદ આશા જૈને ભાઈંદર પોલીસની સાથે સાઇબર પોલીસમાં નોંધાવી છે. તેમણે બૅન્કમાં બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે અકાઉન્ટ ખોલાવનારા ભાઈંદરમાં રહેતા અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિવાના તહસીલમાં આવેલા કરમાવાસ ગામની ભણસાળી અટક ધરાવતી વ્યક્તિ અને તેના પાંચ સાથી પર શંકા હોવાની માહિતી પોલીસને આપી છે. આ વિશે આશા જૈને કહ્યું હતું કે ‘ઇન્કમ ટૅક્સ વિભાગને નોટિસનો જવાબ આપ્યો છે, પરંતુ એનાથી તે સંતુષ્ટ ન હોવાનો જવાબ મળ્યો છે. પોલીસમાં ૧૪ માર્ચે લેખિત ફરિયાદ કરી છે. આટલા દિવસ બાદ પણ પોલીસે કોઈ તપાસ નથી કરી. ઇન્કમ ટૅક્સ મારું ઘર જપ્ત કરશે તો અમારે બધાએ આત્મહત્યા કરવી પડશે.’
પોલીસ શું કહે છે?
ભાઈંદર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મુકુટરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. પુરાવા હાથ લાગ્યા બાદ આશા દેવીચંદ જૈને જેમના પર શંકા વ્યક્ત કરી છે તેમની સામે સામે એફઆઇઆર નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.’