17 September, 2026 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વડનગરની બી. એન. સ્કૂલના તેમના ક્લાસમેટ અસગરઅલી વોહરા મળ્યા એ વખતની તસવીર.
હજી ૩ દિવસ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડનગરની બી. એન. સ્કૂલના ક્લાસમેટ અને હાલ મુંબઈમાં રહેતા ૮૧ વર્ષના અસગરઅલી વોહરા તેમને મળ્યા હતા અને ભાઈંદર (ઈસ્ટ)માં ચાલતા દાયકા જૂના જમીનવિવાદમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ થાય એવી માગણી કરી હતી. જોકે આંગણીના વેઢે ગણાય એટલા જ દિવસોમાં આ બાબતનો નિવેડો આવી ગયો છે. બન્નેની મુલાકાત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ કન્સ્ટ્રક્શન કંપનીને ફાળવાયેલી નવઘરની ૨૮૧૦ સ્ક્વેર મીટરની જમીન પર કન્સ્ટ્રક્શનની પરવાનગી રદ કરી દીધી છે અને અસગરઅલી વોહરા સામે કરેલી પોલીસ-ફરિયાદ પણ પાછી ખેંચી લીધી છે.
૨૦૧૧માં આ જમીન પર કથિતપણે કબજો જમાવનારા સ્વયં બિલ્ડર્સ અને સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવેલો જમીન પરનો દાવો છોડવા તૈયાર થયા છે. ઉલ્લેખનીય છે કે સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન કંપની નરેન્દ્ર મહેતા સાથે સંકળાયેલી હોવાનું કહેવાય છે.
મંગળવારે નરેન્દ્ર મહેતાએ શહેરી વિકાસ ખાતા પાસે જઈને પોતે આ જમીન પર કરેલો દાવો પાછો ખેંચ્યો હતો. પોતે ૨૦૧૯માં મર્વિન ફર્નાન્ડિસ પાસેથી આ જમીન ખરીદી હોવાનું તેમણે આ દરમ્યાન જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસ-કમિશનરને પત્ર લખીને પોતે આ પૂર્વે જમીનવિવાદમાં અસગરઅલી વોહરા વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચી રહ્યા હોવાનું જણાવ્યું હતું. બન્ને પક્ષો વચ્ચે થયેલા સમાધાનને પગલે આ ફરિયાદ પાછી ખેંચવામાં આવી રહી હોવાનું તેમણે પત્રમાં જણાવ્યું હતું.
૧૯૮૯માં આ જમીન ખરીદનારા અસગરઅલી વોહરાએ વડા પ્રધાન સાથે મુલાકાત કરીને પોતાની વ્યથા સંભળાવી અેના ત્રણ જ દિવસમાં આ સમસ્યાનો નિવેડો આવી ગયો હોવાથી લોકો પોતાના જૂના ક્લાસમેટની વહારે આવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે મિત્રતા નિભાવીને ન્યાય દેવડાવ્યો એની પણ સોશ્યલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યા છે.