✕

ઑડિયો-ક્લિપ વિવાદમાં BJP અને શિવસેનાના નેતાઓ જોડાતા જ જાય છે

26 October, 2026 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશ નાઈકે કહ્યું કે રાજ્યમાં મોટી ઊથલપાથલ થશે : કોઈએ ભાખેલા ભવિષ્યને હું માનતો નથી એવો ગુલાબરાવ પાટીલનો જવાબ

ગણેશ નાઈક અને ગુલાબરાવ પાટીલ

ગણેશ નાઈકે કહ્યું કે રાજ્યમાં મોટી ઊથલપાથલ થશે : કોઈએ ભાખેલા ભવિષ્યને હું માનતો નથી એવો ગુલાબરાવ પાટીલનો જવાબ

મનોજ જરાંગેએ વાઇરલ કરેલી ઑડિયો-ક્લિપ પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ગણેશ નાઈકે કહ્યું હતું કે રાજ્યમાં મોટી ઊથલપાથલ થવાની છે. તેમના એ સ્ટેટમેન્ટ પર પ્રતિક્રિયા આપતાં શિવસેનાના વિધાનસભ્ય અને પાણીપુરવઠા અને સ્વચ્છતા વિભાગના પ્રધાન ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે ‘એ ઑડિયો–ક્લિપ કંઈ ભૂકંપ લાવે એવી થોડી છે. જે થવાનું હોય છે એ થઈને રહે છે અને જે થશે એ આપણે જોઈશું જ. કોઈના ભવિષ્યકથન પર હું વિશ્વાસ કરતો નથી. બધા સાથે મળીને જ્યારે નિર્ણય લે ત્યારે ઊથલપાથલ થતી હોય છે.’
આ ઉપરાંત કૉન્ગ્રેસના નેતા નાના પટોલેએ એવો આરોપ કર્યો હતો કે ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણી વખતે મહા વિકાસ આઘાડીને સત્તાથી દૂર રાખવા મતદાનના દિવસે સાંજના પાંચ વાગ્યા પછી ષડયંત્ર કરાયું હતું. એ બાબતે જવાબ આપતાં ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે ‘નાના પટોલેને આ ૩ વર્ષ પછી કઈ રીતે સૂઝ્યું? મને લાગે છે કે તેમણે આ ત્યારે બોલવું જોઈતું હતું. હવે એ ફક્ત નવા મુદ્દા ઊભા કરવાની કવાયત જેવું લાગી રહ્યું છે.’

એકનાથ શિંદેનું ગળું એટલું નાજુક નથી કે વાળથી કપાઈ જાય : પ્રતાપરાવ જાધવ
શિવસેનાના નેતા તથા રાજ્યકક્ષાના પ્રધાન પ્રતાપરાવ જાધવે પણ મનોજ જરાંગેની ઑડિયો-ક્લિપના વિવાદમાં ઝંપલાવીને એકનાથ શિંદેને ટેકો આપતાં કહ્યું હતું કે એકનાથ શિંદેનું ગળું એટલું નાજુક નથી કે કોઈ એને વાળથી કાપી શકે. પ્રતાપરાવ જાધવે મનોજ જરાંગેને પ્રશ્ન કરતાં કહ્યું હતું કે ‘અઢી વર્ષ પહેલાંની ઑડિયો-ક્લિપ વિધાન-પરિષદની ચૂંટણીના ફક્ત એક દિવસ પહેલાં જ જાહેર કરવા પાછળ મનોજ જરાંગેનો હેતુ શું હતો એની તપાસ થવી જોઈએ. એકનાથ શિંદે પણ મરાઠા સમાજનું મોટું નેતૃત્વ છે. વિદર્ભના ૯૯ ટકા મરાઠા અધર બૅકવર્ડ ક્લાસ (OBC) છે અને અમે મનોજ જરાંગેના આંદોલનને પૂરો ટેકો આપ્યો છે. OBCની સંખ્યા વધે તો અમારાં બાળકોને નુકસાન થાય એમ હોવા છતાં અમે આંદોલનનો વિરોધ નથી કર્યો.’ 
ભારતીય જનતા પાર્ટી (BJP)ને પણ આડતકરી રીતે સંભળાવતાં પ્રતાપરાવ જાધવે કહ્યું હતું કે ‘BJPને અમે પચાસ જણે ટેકો આપ્યો ત્યારે તેઓ સત્તામાં આવ્યા છે. એકનાથ શિંદેએ હિંમત દેખાડી એટલે આજે તેમની સરકાર છે.’    

mumbai news mumbai shiv sena political news maharashtra political crisis bharatiya janata party manoj jarange patil