11 October, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભગવાન દીપકે
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના કન્વીનર અભિજિત દીપકેનાં માતા-પિતાએ શનિવારે સરકાર પર લોકશાહીનો આદર ન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે પોતાના પુત્રની અટકાયત અને પોલીસના ભારે બંદોબસ્ત વિશે સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે શું વિદ્યાર્થીઓ ચંબલના ડાકુઓ છે?
પોલીસે દિલ્હીમાં વ્યાપક કાર્યવાહી કરી હતી અને અભિજિત દીપકે, યુટ્યુબર ધ્રુવ રાઠી તથા લગભગ ૫૦૦ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી જેનાથી તેમનો જંતર મંતર પર પહોંચવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
અભિજિતના પિતા ભગવાન દીપકેએ પત્રકારોને કહ્યું હતું કે ‘મને સમજાતું નથી કે દિલ્હીમાં આટલો મોટો પોલીસ-કાફલો કેમ તહેનાત કરવામાં આવ્યો છે? આ વિદ્યાર્થીઓનું આંદોલન છે. શું દિલ્હીમાં ચંબલના ડાકુઓ એકઠા થયા છે? ડાકુઓ તો સંસદમાં બેઠા છે.’
ભગવાન દીપકેને જ્યારે કહેવામાં આવ્યું કે આ આંદોલન પરવાનગી વિના થઈ રહ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘દરેક ભારતીયને વિરોધ કરવાનો કાયદેસરનો અધિકાર છે ત્યારે પરવાનગીની શું જરૂર છે? આનો અર્થ એ છે કે તેઓ (સરકાર) લોકશાહીનું પાલન કરતા નથી. આ વિરોધ તેમને (સરકારને) ખુલ્લા પાડવા માટે હોય ત્યારે તેઓ (આંદોલન કરવાની) પરવાનગી કેવી રીતે આપે? અહીં પરવાનગીનો કોઈ પ્રશ્ન જ નથી.’
ભગવાન દીપકેએ કહ્યું હતું કે તેઓ તેમના પુત્રની સાથે મક્કમતાથી ઊભા છે. તેમણે કહ્યું હતું કે તે મારા માટે ચંદ્રશેખર આઝાદ અને ભગત સિંહ સમાન છે. અભિજિતનાં મમ્મી અનીતા દીપકેએ પણ પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહીની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘સરકાર તરફથી આ ખોટું પગલું છે. આ લોકોએ એવું શું કર્યું છે કે તેમને ફ્લાઇટમાંથી ઉતારીને અટકાયત કરવી પડી? શું તેઓ બળાત્કારીઓના ઘરે જઈને તેમની ધરપકડ કરે છે? તેઓ એમ નથી કરતા.’