18 August, 2024 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પુણેમાં મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાનો શુભારંભ કરતા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર.
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિની સરકારે જ્યારથી રાજ્યની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય કરવા માટેની મુખ્યમંત્રી લાડકી બહિણ યોજનાની શરૂઆત કરી છે ત્યારથી બારામતીનાં સંસદસભ્ય અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળે સતત ટીકા કરી રહ્યાં છે. આ યોજનામાં ત્રણ દિવસ પહેલાં મહિલાઓના બૅન્ક-ખાતામાં રૂપિયા જમા થવાની શરૂઆત થઈ ત્યારે સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે જલદી આ રૂપિયા બૅન્કમાંથી કાઢી લેજો; સરકારનો ભરોસો નહીં, એ પાછા પણ લઈ લે. મહિલાઓને રૂપિયા આપીને તેમને ખરીદવામાં આવી રહી હોવાનો આરોપ પણ તેમણે કર્યો છે. પુણેમાં ગઈ કાલે લાડકી બહિણ યોજનાની સત્તાવાર રીતે શરૂઆત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય અનિલ પાટીલે કહ્યું હતું કે ‘સરકાર રાજ્યની મહિલાઓને લાંચ નથી દેતી, ભાઈબીજની ભેટ આપી રહી છે. ઉદ્ધવ ઠાકરે બહેનને આપેલી ભેટને લાંચ માને છે એટલે તેમણે મહિલાઓનું અપમાન કર્યું છે. સુપ્રિયા સુળે સતત આ યોજનાનો વિરોધ કરીને મહિલાઓને ઉકસાવી રહ્યાં છે. સુપ્રિયા સુળેની વાર્ષિક આવક ૨.૫ લાખ રૂપિયાથી ઓછી હશે ત્યારે અમે તેમને પણ ૧૫૦૦ રૂપિયાની ભેટ આપીશું.’
યોજના કાયમ ચલાવવામાં આવશે: દેવેન્દ્ર ફડણવીસ
પુણેમાં ગઈ કાલે સત્તાવાર રીતે મુખ્યમંત્રી લાડકી બહિણ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મીડિયાના સવાલના જવાબ આપતી વખતે કહ્યું હતું કે ‘જે લોકોના ખિસ્સામાં માલ છે તેઓ હોટેલમાં બે-બે હજાર રૂપિયાની ટિપ આપે છે. તેમને ૧૫૦૦ રૂપિયાની કિંમત ન સમજાય. સામાન્ય ઘરની મહિલા માટે ૧૫૦૦ રૂપિયાનું ઘણું મહત્ત્વ હોય છે. વિરોધીઓ અને મીડિયા સવાલ કરી રહ્યાં છે કે પાંચ વર્ષ માટે યોજના કેમ જાહેર ન કરી? અજિતદાદાએ બજેટમાં માર્ચ સુધીની વ્યવસ્થા કરી છે. રાજ્યની જનતા આશીર્વાદ આપશે તો અમે ૨૦૨૫, ૨૦૨૬ જ નહીં; ૨૦૨૭ સુધી આ યોજના કાયમ રાખીશું. બજેટમાં એક જ વર્ષની જોગવાઈ થઈ શકે છે, પાંચ વર્ષની સુવિધા હોત તો અમે પાંચ વર્ષની જાહેર કરી હોત. અમારી સરકાર છે એવાં અનેક રાજ્યોમાં આ યોજના ચાલુ રાખી છે. કૉન્ગ્રેસે કર્ણાટકમાં યોજના શરૂ કરી હતી, પણ હવે બંધ કરી દીધી છે.’