26 May, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા JVLR જંક્શન બ્રિજ પર રવિવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. એમાં મૅટ્રિમોનિયલ ઍપ્લિકેશન દ્વારા ઓળખાણ થયા બાદ યુવતીને બીજી વાર મળવા ગયેલા અંધેરીના ૩૨ વર્ષના દીપેન જૈનનું લક્ઝરી બસની અડફેટે આવતાં કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ મામલે જોગેશ્વરી પોલીસે લક્ઝરી બસના ડ્રાઇવર પ્રસાદ જાધવની ધરપકડ કરીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
દીપેન તેની મિત્ર સાથે ઍક્ટિવા સ્કૂટર પર જુહુના હરે રામા હરે ક્રિષ્ના મંદિર તેમ જ આરે કૉલોનીના હનુમાન મંદિરે દર્શન કરીને નાલાસોપારા તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝરી બસે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તા પર પટકાયેલા દીપેને હેલ્મેટ પહેરી હોવા છતાં બસનું પાછળનું વ્હીલ તેના માથા પરથી ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં યુવતી પણ મોટરસાઇકલ પરથી નીચે ફેંકાઈ ગઈ હતી અને તેના બન્ને ઘૂંટણમાં ઈજા થઈ હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે ભાગવાનો પ્રયાસ કરી રહેલા બસના ડ્રાઇવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
મૅટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા બાદ બીજી મુલાકાત આખરી બની
જોગેશ્વરી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૬ મહિના પહેલાં મૅટ્રિમોનિયલ ઍપ્લિકેશન પર દીપેન અને યુવતીની ઓળખ થઈ હતી. બન્ને લગ્ન કરવાનો નિર્ણય લેવા માગતાં હોવાથી અગાઉ એક વખત મળ્યાં હતાં. ત્યાર બાદ રવિવારે ફાઇનલ કૉલ માટે બીજી વાર મળ્યાં હતાં. રવિવારે સાંજે તેઓ જોગેશ્વરી-ઈસ્ટના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા JVLR જંક્શન બ્રિજ પરથી ચડી રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો.