29 January, 2026 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મંત્રાલય પર અડધી કાઠીએ ફરકતો રાષ્ટ્રધ્વજ (તસવીર : સૈયદ સમીર અબેદી)
મહારાષ્ટ્ર સરકારે બુધવારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના સન્માનમાં રાજ્યમાં ૩ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના પ્રોટોકૉલ વિભાગ દ્વારા અપાયેલી સૂચના મુજબ ૨૮ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી રાજ્યમાં જાહેર શોક મનાવવામાં આવશે. દરમ્યાન રાષ્ટ્રધ્વજ નિયમિતપણે લહેરાતો હોય એવાં તમામ બિલ્ડિંગો પર અડધી કાઠીએ ધ્વજ લહેરાશે. શોક દરમ્યાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં. બુધવારે સવારે નાયબ મુખ્ય પ્રધાનના અવસાનને કારણે મહારાષ્ટ્રમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓ બંધ રહી હતી. બપોરની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા આપી દેવામાં આવી હતી. પુણે વેપારી સંઘ સહિત અમુક સંગઠનોએ સ્વેચ્છાએ બંધ પાળ્યો હતો અને આજે પણ અડધા દિવસ માટે બંધ પાળવાની જાહેરાત કરી છે.