29 January, 2026 08:39 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent
બારામતી પ્લેન ક્રેશની ફાઇલ તસવીર
અજિત પવાર સહિત પાંચ જણનાં મોતની ઘટનામાં જે પ્લેન તૂટી પડ્યું હતું એ લિયરજેટ-45 ઍરોપ્લેન VSR એવિયેશન કંપનીનું હતું. દિલ્હીની એ કંપનીના માલિક વી. કે. સિંહે આ દુર્ઘટના બાદ કહ્યું હતું કે ‘એ ઍરક્રાફ્ટ (પ્લેન) બહુ સારી રીતે મેઇન્ટેઇન કરવામાં આવ્યું હતું અને એમાં કોઈ જ પ્રૉબ્લેમ નહોતો. પ્લેનમાં કોઈ જ ટેક્નિકલ ખામી નહોતી. ત્યાં વિઝિબિલિટી ઓછી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.’
આ જ કંપનીનું અને આ જ મૉડલનું એક પ્લેન ૨૦૨૩માં મુંબઈ ઍરપોર્ટ પર તૂટી પડ્યું હતું. એથી એ મૉડલનું પ્લેન તૂટી પડવાની આ બીજી ઘટના છે. એથી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હવે જ્યારે આ ઘટના બની છે ત્યારે તમે એ પ્લેન ઉડાડવાનું બંધ કરી દેશો? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ના, એ ક્રાફ્ટ ફિટ જ હતું, એનાં જેવાં બીજાં ઍરક્રાફ્ટ પણ ફિટ જ છે. મારે શા માટે બધાં જ પ્લેન ગ્રાઉન્ડ પર લઈ લેવાં જોઈએ? એ મારું ડિસિઝન ન હોઈ શકે. લિયરજેટ-45ઍરોપ્લેન એ વિશ્વ સ્તરે બહુ જ ભરોસપાત્ર ઍરક્રાફટ ગણાય છે. તો શા માટે અમારે એ ઉડાડવાનું બંધ કરી દેવું જોઈએ?’