25 November, 2024 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે અને અજીત પવાર
વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે અને હવે નવી સરકારની સ્થાપનાની રાહ જોવાઈ રહી છે ત્યારે ગઈ કાલે મહાયુતિના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ગઈ કાલે મુંબઈમાં હતા. અજિત પવાર અને એકનાથ શિંદેએ તેમના સત્તાવાર નિવાસસ્થાને ચૂંટાઈ આવેલા વિધાનસભ્યો સાથે બેઠક યોજી હતી તો દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં હોવા છતાં તેમની ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ સાથે કોઈ બેઠક ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે બપોરે તેમના મલબાર હિલમાં આવેલા દેવગિરિ બંગલામાં ચૂંટાઈ આવેલા પક્ષના વિધાનસભ્યો તેમ જ વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં અજિત પવારની વિધાનસભાના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ગઈ કાલે બપોર બાદ તેમના વર્ષા બંગલામાં પક્ષના વરિષ્ઠ નેતા ઉપરાંત ચૂંટાઈ આવેલા વિધાનસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મહાયુતિની આગામી સરકારમાં પણ એકનાથ શિંદેને જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠક બાદ મોડી સાંજે મહિલાઓ એકનાથ શિંદેને મળવા પહોંચી હતી અને તેમણે લાડકી બહિણ યોજના લાવવા બદલ શુભેચ્છા વ્યક્ત કરી હતી. જોકે યુતિધર્મ મુજબ ત્રણેય પક્ષના વરિષ્ઠો જે નિર્ણય લેશે એ માન્ય રાખવા માટે પણ બધા સંમત હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં એકનાથ શિંદેને પણ વિધાનસભામાં પક્ષના નેતા જાહેર કરવામાં આવ્યા હતા.