Watch Video: ગ્રાઉન્ડ સ્ટાફની હડતાળ: એર ઇન્ડિયાના મુસાફરો હવામાં પણ અટવાયા ને જમીન પર પણ હેરાન!

18 May, 2026 07:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Air India Flight chaos! એર ઇન્ડિયાની હૈદરાબાદ-મુંબઈ ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર જ અટવાઈ; ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફની અચાનક હડતાલને કારણે મુસાફરો એક કલાક પ્લેનમાં બેસી રહ્યા; મુસાફરોએ સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સોમવારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)  પર એર ઇન્ડિયા (Air India)ની વિવિધ ફ્લાઈટ્સના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઈટ્સ સમયસર લેન્ડ તો થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ મુસાફરોને ૯૦ મિનિટ જેટલા લાંબા સમય સુધી પ્લેનની અંદર જ બેસી રહેવાની ફરજ પડી હતી! આ અરાજકતા પાછળનું કારણ એ હતું કે એક થર્ડ-પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના કર્મચારીઓ અચાનક કામ છોડીને ચાલ્યા ગયા હતા. આ હડતાલને કારણે ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) બંનેની કામગીરી ખોરવાઈ ગઈ હતી.

એર ઇન્ડિયાની હૈદરાબાદ-મુંબઈ ફ્લાઇટ એરપોર્ટ પર અટવાઈ

સોમવારે હૈદરાબાદથી મુંબઈ આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયાના થોડી જ વારમાં અટવાઈ (Air India Flight chaos!) પડી હતી. એરપોર્ટ પર થર્ડ-પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના કર્મચારીઓની હડતાલના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ગેરવ્યવસ્થાને લીધે મુસાફરોને ૬૦ મિનિટથી વધુ સમય સુધી પ્લેનની અંદર જ બેસી રહેવું પડ્યું હતું અને એરપોર્ટની કામગીરી ખોરવાઈ ગઈ હતી.

ઉદ્યોગ જગતના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર ફ્લાઇટ ઓપરેશન્સને માઠી અસર પહોંચી હતી. એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઘણી વિદેશી એરલાઇન્સને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડતી સરકારી માલિકીની કંપની `એઆઈ એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ` (AI Airport Services Ltd - AIASL)ના કર્મચારીઓ દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વિના અચાનક કામ બંધ કરી દેવામાં આવતા આ સમસ્યા ઊભી થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, AIASL દ્વારા એર ઇન્ડિયા ગ્રુપની એરલાઇન્સ ઉપરાંત ફ્લાયદુબઈ (Flydubai), સાઉદિયા (Saudia), ઓમાન એર (Oman Air) અને સલામએર (SalamAir) સહિતની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને પણ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે, અને આ એરલાઇન્સ દ્વારા ઓપરેટ કરવામાં આવતી ફ્લાઇટ્સને પણ આ હડતાલની માઠી અસર પહોંચી હતી.

એરપોર્ટ ઓપરેશન્સ ટીમોએ મુસાફરોની હાલાકી ઓછી કરવા અને આ ગેરવ્યવસ્થાને પહોંચી વળવા માટે વહેલી સવારથી જ કામગીરી શરૂ કરી દીધી હતી, જેમાં મુખ્ય રૂટો પર ફ્લાઇટ્સનું સંચાલન સામાન્ય કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની આ અચાનક હડતાલના કારણે એરક્રાફ્ટ ટર્નઅરાઉન્ડ (વિમાનને આગામી ઉડાન માટે તૈયાર કરવું), સામાનની હેન્ડલિંગ (બેગેજ હેન્ડલિંગ) અને બોર્ડિંગ પ્રક્રિયાઓમાં ભારે વિલંબ થયો હતો.

એરપોર્ટ પર સર્જાયેલી આ અરાજકતાને કારણે માત્ર હૈદરાબાદ જ નહીં, પણ દિલ્હી-મુંબઈ ફ્લાઇટના મુસાફરોને પણ લેન્ડિંગના એક કલાક પછી સુધી પોતાનો સામાન ન મળતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ સિવાય, મંગલુરુથી મુસાફરી કરનારા પેસેન્જર્સની ફ્લાઇટ પણ વારંવાર લેટ થતી રહી હતી. સૌથી ખરાબ સ્થિતિ બપોરે ૧૩:૩૦ વાગ્યે કોચ્ચિ જનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI 2517) ના મુસાફરોની થઈ હતી, જેઓ કલાકો સુધી એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા.

એર ઇન્ડિયાએ આપ્યું નિવેદન

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ (કન્ટિન્જન્સી મેઝર્સ) શરૂ કરી દીધી હતી. જેમાં ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર કરવો અને અસરગ્રસ્ત મુસાફરોને અન્ય ફ્લાઇટ્સમાં સમાવવા જેવી કામગીરી શામેલ છે. આ સાથે જ કામગીરીને ફરીથી સામાન્ય બનાવવા માટે એરપોર્ટ સત્તાવાળાઓ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી સાથે પણ સંકલન સાધવામાં આવી રહ્યું છે.

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મુંબઈ એરપોર્ટ પર થર્ડ-પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીના કર્મચારીઓની હડતાલને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એર ઇન્ડિયાની કામગીરીને અસર પહોંચી છે. અમારી એરપોર્ટ ટીમો મુસાફરોની અસુવિધા ઘટાડવા અને વહેલી તકે કામગીરી સામાન્ય કરવા માટે તમામ હિતધારકો (સ્ટેકહોલ્ડર્સ) સાથે મળીને કામ કરી રહી છે. આ સમય દરમિયાન અમે અમારા મુસાફરોની સમજણ અને ધીરજની પ્રશંસા કરીએ છીએ.’

સોશ્યલ મીડિયા પર ફરિયાદોનો મારો

દરમિયાન અટવાયેલા મુસાફરોએ સોશ્યલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર શેર થયેલા વીડિયો અને પોસ્ટ મુજબ, એરપોર્ટ ટર્મિનલ પર સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. ૨2થી 3 કલાક સુધી લાંબી રાહ જોયા બાદ પણ જ્યારે સામાન ન મળ્યો, ત્યારે કંટાળીને અને મજબૂર થઈને ઘણા મુસાફરો પોતાનો સામાન (Luggage) એરપોર્ટ પર જ છોડીને બહાર નીકળી ગયા હતા. ફ્રસ્ટ્રેટ થયેલા મુસાફરો એરપોર્ટની વ્યવસ્થા વિશે જાણવા માટે ઇન્ફોર્મેશન ડેસ્ક પર લાંબી લાઈનો લગાવીને ઊભા સવાલો પૂછતા નજરે પડ્યા હતા.

સરકારને સોંપી દોનો લોકોનો બળાપો

એરપોર્ટ પર મુસાફરોને ગાઈડ કરવા માટે કોઈ ગ્રાઉન્ડ સ્ટાફ હાજર નહોતો અને ફ્લાઇટના સ્ટેટસ કે વિલંબની માહિતી આપવા માટેના ડિસ્પ્લે કે સાઈનેજ (દિશા સૂચક બોર્ડ) પણ બંધ હતા. આ અંધાધૂંધીથી ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટની સ્થિતિને "સંપૂર્ણપણે શરમજનક" (Absolute Embarrassment) ગણાવી હતી. મંગલુરુના એક મુસાફરે તો તંત્ર પર પ્રહારો કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, "જો તમે ઓપરેશન્સ બરાબર ન ચલાવી શકતા હોવ, તો મુસાફરોને દર કલાકે હેરાન કરવાને બદલે આ બધું ફરી સરકારને સોંપી દો."

 

air india airlines news mumbai airport chhatrapati shivaji international airport hyderabad mumbai mumbai news